સમગ્ર રાજ્યમાં પોતાની અંધશ્રદ્ધાની જાળ ફેલાવનાર ઢબુડી માતાના પાખંડનો વિજ્ઞાન જાથા નામની સંસ્થા દ્વારા પર્દાફાશ થયા બાદ હવે પંચમહાલની અંધશ્રદ્ધા નિવારણ કરતી સંસ્થા હ્યુમેનીસ્ટ રેશનાલિસ્ટ એસોસિએશન દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે.
ગોધરાની અંધશ્રદ્ધા નિવારણ સંસ્થા એ ઢબુડી માતા સામે ફેંક્યો ખુલ્લો પડકાર - શોભાયાત્રા
ગોધરાઃ અંધશ્રદ્ધાની માયાજાળ ફેલાવી સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવેલા ઢબુડી માતાને પંચમહાલની અંધશ્રદ્ધા નિવારણ કરતી સંસ્થા દ્વારા ખુલ્લો પડકાર ફેંકતા ચમત્કાર સાબિત કરી બતાવવા પર ઢબુડી માતાને એક કરોડ રોકડા અને શોભાયાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાના લેટર પેડ પર કરાયેલી આ જાહેરાત હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતીં.
સંસ્થાએ પોતાના લેટર પેડ પર ઢબુડી માતાને ખુલ્લો પડકાર નામના હેડિંગથી એક જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જે મુજબ 25 ઓગસ્ટના રોજ મહીસાગરના લીંબડીયા ચોકડી નજીક ઢબુડી માતા પોતાની ગાદી લગાવી કાર્યક્રમ કરવાની હતી. જે સંદર્ભે ગોધરાની હ્યુમેનીસ્ટ રેશનાલિસ્ટ એસોસિએશન સંસ્થાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે આ કાર્યક્રમ અથવા ગમે ત્યારે જો ઢબુડી માતા પોતાનો કોઈ પણ ચમત્કાર આ સંસ્થા સામે સાબિત કરી બતાવે તો સંસ્થા તેમને એક લાખ રૂપિયા રોકડા આપશે અને સાથે જ ઢબુડી માતાની ભવ્ય શોભા યાત્રા પોતાના ખર્ચે કાઢશે.
જો કે આ જાહેરાતના પગલે ઢબુડી માતા એ મહીસાગર ખાતેનો પોતાનો કાર્યક્રમ રદ કર્યો હતો અને આ જાહેરાત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.