ગોધરામાં લોન અપાવવાના બહાને મહિલાઓ સાથે રૂ. 95 હજારની છેતરપીંડી
પંચમહાલ: ગોધરાના નદીસર ગામે એક ભેજાબાજ ફાયનાન્સ કંપનીમાંથી લોન અપાવવાની લાલચ આપી 19 મહિલાઓ પાસેથી રૂ.95 હજાર ખંખેરીને ફરાર થઇ ગયો હતો. આથી નદીસરની મહિલાઓએ કાંકણપુર પોલીસ મથકમાં આ ભેજાબાજ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી.
ગોધરાના નદીસર ગામે રહેતા વીનાબેન પરમાર ખાનગી ફાયનાન્સ કંપનીઓમાંથી લોન અપાવવા માટે પોતાના ઘરે મીટીંગ રાખતા હતા. જ્યાં વીસેક દિવસ અગાઉ દાહોદના ફતેપુરાનો રાજેશભાઇ કટારા નામનો શખ્સ જીવન સાધના ફાયનાન્સ કંપનીમાંથી આવું છું અને અમારી કંપની ઓછા વ્યાજથી લોન આપે છે તેમ જણાવી સખી મંડળની એક સભ્યને ૧.૪૦ લાખની લોન અપાવવાની વાત કરી હતી, જેથી વીનાબેને પોતાના ઘરે ગામની મહિલાઓને બોલાવી મીટીંગ રાખતા મીટીંગમાં મહિલાઓ લોન લેવા તૈયાર થઇ પણ રાજેશભાઇએ લોન પાસ કરાવવા માટે વ્યક્તિ દીઠ પાંચ હજાર આપવા પડશે તેમ કહેતા 19 મહિલાઓની ગામની મહિલાઓની લોન મંજૂર કરાવવા પાંચ હજાર લેખે 95 હજાર રૂ. તથા આધારકાર્ડ સહિતના દસ્તાવેજો લીધા હતા. બીજા દિવસે નદીસરની મહિલાઓ લોનના પૈસા લેવા જીવન સાધના ફાયનાન્સ કંપનીની ઓફિસે સાંપા રોડ ગોધરા ખાતે ગઇ હતી જ્યાં તેમને ફાયનાન્સની કોઇ ઓફિસ મળી ન હતી અને ફોન પર પણ કોઇ જવાબ ન હતો. નદીસરની મહિલાઓએ કાંકણપુર પોલીસ મથકમાં આ ભેજાબાજ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી.