ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી-મુંબઈ ગ્રીન કોરીડોર બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને આ અંતર્ગત ગ્રીન કોરીડોર સિક્સ લેનનો નેશનલ હાઈવે બનાવવામાં આવનાર છે, ત્યારે કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ ગ્રીન કોરીડોરના નિર્માણ માટે હાલ જમીન સંપાદન કરવા અંગેની કાર્યવાહી પ્રગતિમાં છે. પંચમહાલ જિલ્લાના ગોધરા અને મોરવા હડફ તાલુકામાંથી પણ આ ગ્રીન કોરીડોર પસાર થાય છે. જે અંગેની જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બન્ને તાલુકાના જમીન માલિકો એવા આદિવાસી ખેડૂતો દ્વારા આ ગ્રીન કોરીડોર તેઓની જમીનમાંથી પસાર નહી કરવા માટે સરકારને અનેકવાર રજુઆતો કરવામાં આવી છે.
તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હાઈવે બનાવવા માટેની જમીન સંપાદનની કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી માગ ખેડૂતોએ કરી છે. ખેડૂતોની રજૂઆત છે કે, આદિવાસી વિસ્તારમાં બંધારણના નિયમ પ્રમાણે આ વિસ્તારમાં વસતા આદિવાસીઓની જમીનમાં તેઓની લેખિત મંજુરી વિના કોઇપણ યોજનાનું અમલીકરણ ન કરી શકાય તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે, જે સદંતર બંધ કરવામાં આવે અને આ હાઈવેને અન્ય જગ્યાએથી પસાર કરવામાં આવે.