આજે સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે આપણે આઝાદીની લડત અને અસ્પૃશ્યતા નિવારણમાં કેન્દ્રબિંદુ રહેલા ગોધરા વિશે વાત કરીશું. 2002માં ગોધરાકાંડની કરૂણ ઘટના બાદ ગોધરાની છાપ સમગ્ર દેશમાં કંઈક અલગ ઊભી થઇ હતી. પરંતુ આજે ગોધરા વિકસિત બન્યું છે.
ગાંધી@150ઃ પંચમહાલના ગોધરામાં બાપુની યાદગાર ક્ષણો... - ગાંધી જયંતીની ઉજવણી
ગોધરાઃ ગાંધીજયંતિના ભાગરૂપે ઠેર-ઠેર અનેક કાર્યક્રમો થઈ રહ્યાં છે. તેમજ ગાંધીજીની સ્મૃતિઓને વાગોળવામાં આવી રહી છે. ત્યારે ગાંધીજીએ તેમના જીવનકાળમાં પંચમહાલના ગોધરાની પણ મુલાકાત લીધી હતી. આવો તેમની આ મુલાકાતને આ અહેવાલ દ્વારા યાદ કરીએ...
આ એ જ ગોધરા છે, જ્યાં પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા નિવારણનું બીડું ગોધરાથી ઉઠાવ્યું હતું. 1917માં પ્રથમ રાજકીય પરિષદ મહાત્મા ગાંધીજીના પ્રમુખપણા હેઠળ યોજાઈ હતી. જે અત્યંજ પરિષદ તરીકે પણ ઓળખાય છે. જેમાં રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, ઠક્કરબાપા જેવા ટોચના નેતા હાજર રહ્યાં હતાં. અહીં ગાંધી આશ્રમની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ આશ્રમ આજે પણ ઐતિહાસિક ક્ષણોની સાક્ષી પૂરે છે.
અહીં હરિજન સમાજના બાળકોને ભણવા માટે અત્યંજ શાળાઓ હતી. આ શાળા અંગે ગાંધીજી સૂચન કર્યું હતું કે, આ બાળકોને યોગ્ય સગવડ ઉભી કરવામાં આવે. જેથી મહારાષ્ટ્રના એક બ્રાહ્મણ યુવાન વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેએ બાળકોને ભણવાની જવાબદારી સ્વીકારી. જેઓ પાછળથી મામા ફડકે તરીકે ઓળખાયા હતાં. અહીં વિદ્યાર્થીઓને રચનાત્મક બુનિયાદી શિક્ષણ અપાય છે. પ્રતિ વર્ષ આ સંસ્થામાં 40 વિધાર્થીઓ અભ્યાસ કરે છે.