પંચમહાલ :હાલોલ તાલુકાના ધાબા ડુંગરી પાસે પરપ્રાંતિય સાધુ પુજારીએ પરિણીત મહિલાને સંતાન પ્રાપ્તિની લાલચ આપી દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પરિણીત મહિલાએ સાધુ પર હાલોલ તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સાધુની અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો : મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના ધાબા ડુંગરી ખાતે આવેલી રામ ટેકરી પર રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની એવા પુજારી સાધુ ક્રિષ્ણકુમાર શિવ વિશાલ ત્રિવેદી પાસે ગત દિવસોમાં એક મહિલા પોતાના પતિ સાથે સંતાન પ્રાપ્તિની બાધા માટે આવી હતી. જેમાં મહિલાના લગ્ન જીવનને દસક વર્ષ પૂર્ણ થવા છતાં તેઓને સંતાન સુખ પ્રાપ્ત ન થયું હતું. જેને લઈને મહિલાએ અનેક દેવી-દેવતાઓની બાધા તેમજ વિવિધ દવાખાનાઓમાં પોતાની સારવાર કરાવ્યા પછી પણ કોઈ નિરાકરણ આવતું ન હતું. તેથી મહિલાને જાણવા મળેલ કે સાધુ ક્રિષ્ણકુમાર સંતાન પ્રાપ્તિ માટે બાધા આપે છે.
નારિયેળ વાળી પૂજા શરૂ કરી : જેને લઇને મહિલા બાધા લેવા માટે પોતાના પતિ સાથે સાધુ પાસે આવી હતી. જેમાં સાધુએ મહિલાને જણાવ્યું હતું કે, માસિક આવ્યાના છઠ્ઠા દિવસે તમારે આવવાનું રહેશે જે બાદ થોડા દિવસ પછી મહિલા પોતાના પતિ સહિત પોતાના પરિવારના અન્ય સદસ્યો સાથે રામ ટેકરી ખાતે આવી હતી. જ્યાં સાધુએ પ્રથમ મહિલાના પતિની માથેથી નારિયેળ વાળી પૂજા શરૂ કરી હતી. તે દરમિયાન મહિલાની સાથે આવેલા અન્ય પરિવારના સદસ્યો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ભોગ બનનાર મહિલા અને તેના પતિ ત્યાં હાજર હતા.
મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું : જેમાં મહિલાના પતિને હાથમાં નારિયેળ આપી સાધુએ બહાર બેસાડ્યો હતો. તેમજ હું બૂમ પાડું ત્યારે જ અંદર આવજો તેમ કહી મહિલાને એક અલગ રૂમમાં લઈ જઈ સંતાન પ્રાપ્તની ક્રિયા કરવાને બહાને મહિલાને સુવડાવી હતી. સાધુએ મહિલાને કહ્યું હતું કે, તારે સંતાન સુખ જોઈતું હોય તો તારો કોઠો સાફ કરવો પડશે. તેમ કહી મહિલા સાથે સાધુએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં મહિલા કશું પણ બોલી શકી ન હતી. જે બાદ મહિલાને સાધુએ દુષ્કર્મ આચાર્ય બાદ કહ્યું હતું કે, તારે સંતાન સુખ જોઈતું હોય તો કોઈને પણ કંઈ પણ કહીશ નહીં.