પંચમહાલ:પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે એક ઘટના બની જેમાં 10 જેટલા યાત્રિકો ઉપર રેનબસેરાની છતના પથ્થર પડતા ગંભીર ઇજા થઈ છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. પાવાગઢના નવીનીકરણ બાદ ભક્તોની સંખ્યામાં વધારો થયો છે. પહેલા મોટા ભાગે શનિવાર અને રવિવારે માતાજીના દર્શન કરવા માટે આવતા હતા પરંતુ હાલ નવીનીકરણ બાદ દરરોજ મોટી સંખ્યામાં માઇ ભક્તો આવી રહ્યા છે.
દુર્ઘટનામાં એક મહિલાનું મોત:પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના જણાવ્યા અનુસાર આજ રોજ બપોરના સમયે માચી ખાતે બનાવમાં આવેલ રેનબસેરાના ઢાંચાનો ભાગ તૂટી પડ્યો હતો જેમાં 10 લોકોને દબાયા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. આ ઢાંચો આશરે એક દોઢ વર્ષ અગાઉ બનાવવામાં આવેલ છે. હાલ આર એન બી અને બીજા અન્ય ટેક્નિકલ લોકોને તપાસ માટે મોકલ્યા છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે બીજા બનેલી તમામ ઇમારતોની પણ ચકાસણી કરવામાં આવશે.
સમગ્ર પરિવાર ઈજાગ્રસ્ત:વડોદરાથી પાવાગઢ દર્શન કરવા ગયેલા જમનાબેન દેવીપૂજકે જણાવ્યું હતું કે, 'વડોદરા શહેરના બાપોદથી અમે પાવાગઢ દર્શન માટે ગયા હતા. પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરીને આવ્યા હતા. વરસાદ ચાલુ હોવાથી બેઠા હતા અને હું ત્યાં હાજર હતી અને ઉપરથી પથ્થરો પડવા લાગ્યા હતા. અમારો આખો પરિવાર ત્યાં હતો અને આખો પરિવાર આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયો છે. જેમાં મારી બે નણંદ, નણંદનો છોકરો, નણદોઈ અને મારા પતિને પણ વાગ્યું છે. અચાનક જ પથ્થરો પડવા લાગતા અને ડરી ગયા હતા. મારા તમામ પરિવારને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.'
'પાવાગઢમાં છત પડી હોવાની માહિતી મળતાની સાથે જ હું અહી આવી છું. ઇજાગ્રસ્ત થયેલ 12 લોકોને વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી છે. એક્સરે, સિટીસ્કેન, સોનોગ્રાફી જેવી કોઈ પણ જરૂરિયાતના ધોરણે ભાજપ શહેર અધ્યક્ષનો કોલ મળતાની સાથે અમે અહીં મદદ અર્થે પોહચ્યા છીએ. ડોક્ટર સેલમાંથી પણ કેટલાક ભાઈઓ કહી આવ્યા છે.' -જાગૃતિ કાકા, સ્થાનિક કાઉન્સિલર