પંચમહાલ : રસીલાબેન દેસાઈ એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેઓ અને તેમના પતિ વિનોદભાઈ દેસાઈ જેઓ પણ શિક્ષક છે.પોતાની એક દીકરી સાથે સુખમય જીવન ગુજારી રહ્યા છે.પરંતુ તેઓના જીવનની ખાસ કહી શકાય એવી કોઈ વાત હોય તો તે છે રસીલાબેન અને વિનોદભાઈની દીકરી હેપ્પી દેસાઈ.
હેપ્પી હાલ 15 વર્ષની છે, અને તે જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે. હાલ હેપ્પી દેસાઈ પોતે એક ઉચ્ચ કક્ષાની સિંગર તરીકે તેની નામના કરી રહી છે. છેલ્લે હેપ્પી દેસાઈએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી સાથે "મારી લાડલી" નામના પ્રખ્યાત ગીત પર પરર્ફોમ કર્યું હતું. જગત આખું હેપી દેસાઈના અવાજ પર આફરીન થઇ ગયું હતું. પરંતુ જયારે હેપ્પીને નજીકથી જોનારને જ ખબર પડી કે, હેપ્પી પોતે જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે. જેને જન્મ બાદ આ દુનિયાને જોઈ જ નથી.
મહિલા દિને મળો ગોધરાનું ગૌરવ પ્રજ્ઞાચક્ષુ હેપી દેસાઈને આજે હેપ્પી દેસાઈ એક ગાયક તરીકે એક પછી એક નવા નવા શિખરો સર કરતી જાય છે. પણ ખાસ વાત અહીં આપને એ જણાવવાની કે, હેપ્પીની આ સફળતા પાછળ કોઈ નામ હોય તો તેની મમ્મી રસીલાબેનનુ નામ. રસીલાબેન નામ એ હેપ્પીના મમ્મી માત્ર નથી. રસીલાબેન સાચા અર્થમાં બલિદાનની મૂર્તિ છે. તે માતા તો છે જ પણ એક શ્રેષ્ઠતમ માતા કહી શકાય એ પુરવાર થયા છે. એનું કારણ માત્ર પ્રજ્ઞાચક્ષુ હેપ્પીના મમ્મી છે, એટલું જ નથી. રસીલાબેનને જયારે 2005ની સાલમાં હેપ્પીનો જન્મ થયો.
ત્યારે એક મહિના બાદ ખબર પડી કે, તેઓની વ્હાલી દીકરી હેપ્પી જેને ઘરમાં ખુશીનો ભંડાર ભરી દીધો હતો. તે ખરેખર તદ્દન આંખ વિનાની છે. તે બિલકુલ જોઈ શકતી નથી. ત્યારે રસીલાબેન સહિત આખા પરિવારને માથે આભ તુટી પડ્યું હતું. પરંતુ કહેવાય છે કે, સ્ત્રી એક શક્તિ સ્વરૂપ હોય છે. તે હંમેશા અબળા જ નથી હોતી. રસીલાબેને આ વાતને સાબિત કરતા હેપ્પીને રાજીખુશીથી અપનાવી અને એના ઉછેર માટે લાગી પડ્યા. એટલું જ નહિ પણ રસીલાબેન દ્વારા એક અકલ્પનિય નિર્ણય લેવાયો જે આખા પરિવાર અને તેઓના પતિ માટે આશ્ચર્ય પમાડે તેવો હતો. રસીલાબેનને પોતાનો નિર્ણય જાહેર કરતા જણાવ્યું કે, હવે હેપ્પીના જન્મ બાદ બીજું સંતાન હવે નહીં થવા દે અને પોતે હેપ્પીના ઉછેર પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપશે. રસીલાબેનના આ કડક નિર્ણયને છેવટે તેઓના પતિ વિનોદભાઈ સહિત સર્વેએ માની લીધો હતો.
હેપ્પીના માતા હેપ્પીના મમ્મીનો એક માતા તરીકેનો તમામ પ્રેમ હેપ્પી સિવાય કોઈમાં વહેંચાય એવું ના ઇચ્છતા રસીલાબેન પોતે શિક્ષિકાની નોકરી કરતા કરતા દીકરીને મન લગાવી મોટી કરવા માંડી અને સમય જતા હેપ્પીને સ્કૂલમાં પણ નોર્મલ રીતે એડમિશન કરાવ્યું. પોતાની સાથે જ સ્કૂલમાં લઈ જતા જ્યાં બ્રેલ લિપિના શિક્ષક હેપ્પીને ભણાવતા સમય જતા હેપ્પીમાં ગાયકીના ગુણ છે. એની ખબર પડતા રસીલાબેને હેપ્પીને સંગીતના શિક્ષકને ઘરે બોલાવી સંગીત શીખાડવાનું શરૂ કર્યું. આજે હેપ્પી માત્ર 15 વર્ષની ઉંમરે તો ગાયકીની અનેક સ્પર્ધાઓ જીતી ચુકી છે. હેપ્પીના માટે આપેલ રસીલાબેનનું બલિદાન આજે ઉગી નીકળ્યું હોય એમ લાગી રહ્યું છે. છતાં રસીલાબેનને ઈચ્છા છે કે, હેપ્પી પોતે પોતાના પગ પર ઉભી રહેતી થઇ જાય એ જ મારુ સ્વપ્ન છે. હેપ્પી આજે શિક્ષણ મામલે પણ ખુબ જ હોશિયાર છે. એક સામાન્ય બાળકની જેમ તે પણ મસ્તી કરે છે. મમ્મી-પાપાને વ્હાલ પણ કરે છે. અને એક મહિલા તરીકે તે પોતે પણ મહિલા દિનની શુભેચ્છા આપે છે.