- પંચમહાલમાં ભાજપનો ભગવો લહેરાયો
- જિલ્લા પંચાયતની તમામ 38 બેઠકો પર ભાજપનો વિજય
- તાલુકા પંચાયતની કુલ 178 પૈકી 168 બેઠકો પર ભાજપ
પંચમહાલ: જિલ્લામાં ગોધરા તાલુકામાં આવેલી 9, કાલોલ તાલુકામાં આવેલી 5, હાલોલ તાલુકામાં આવેલી 5, ઘોઘમ્બા તાલુકામાં આવેલી 6, જાંબુઘોડામાં આવેલી 1, શહેરા તાલુકામાં આવેલી 7 અને મોરવા હડફ તાલુકામાં આવેલી 5 એમ તમામ 38 બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજયી બન્યા હતા. આ પૈકીની અણિયાદ, દલવાડા, નાંદરવા અને કાનપુરની બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.
ભાજપનો ભવ્ય વિજય
આ સાથે જ હાથ ધરાયેલ તાલુકા પંચાયતના પરિણામ જોઈએ તો વિવિધ તાલુકા પંચાયતની કુલ 178 પૈકી 168 બેઠકો પર ભાજપ, 6 બેઠકો પર અપક્ષ અને 4 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા હતા. ભાજપે ગોધરા તાલુકા પંચાયતની 34 બેઠકો પૈકી 33, કાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી 22, હાલોલ તાલુકા પંચાયતની 24 પૈકીની 23, ઘોઘમ્બા પંચાયતની 26 પૈકી 25, જાબુંઘોડાની તમામ 16 બેઠકો, શહેરા તાલુકા પંચાયતની 30 પૈકીની 28 બેઠકો અને મોરવા હડફ તાલુકા પંચાયતની 24 પૈકીની 21 બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે ગોધરા તાલુકા પંચાયતની પોપટપુરા, હાલોલની શિવરાજપુર, શહેરાની વાડી અને મોરવા હડફની સુલીયાત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા.
કોંગ્રેસને માત્ર 1 બેઠક
ઘોઘમ્બા તાલુકા પંચાયતની બાકરોલ, શહેરાની મંગલિયાણા, કાલોલ તાલુકા પંચાયતની પલાસા અને વેજલપુર, મોરવા હડફની કુવાઝર અને વનેડા બેઠકો અન્ય ઉમેદવારોના ફાળે ગઈ હતી. ગોધરા નગરપાલિકાના પરિણામોમાં 11 વોર્ડની 44 બેઠકો માટે થયેલ ચૂંટણીમાં બીજેપીના 18, કોંગ્રેસના 01, અપક્ષના 18 અને ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતિહાદુલ મુસ્લિમના 7 ઉમેદવારોએ વિજય નોંધાવ્યો હતો.