ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્ય પ્રધાન વિજય રુપાણીનો સરપંચ સાથે સંવાદ

પંચમહાલના મુખ્યમથક ગોધરા ખાતે ભાજપના જિલ્લા કાર્યાલયનો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. તથા જિલ્લાના 400 જેટલા સરપંચો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પંચમહાલ ખાતે સરપંચ સંવાદ
પંચમહાલ ખાતે સરપંચ સંવાદ

By

Published : Jan 27, 2021, 9:18 AM IST

  • પંચમહાલમાં નવીન ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન
  • રાજ્યના દરેક ગામને આદર્શ ગામ બનાવવું
  • 400 જેટલા સરપંચો સાથે સપરંચ સંવાદ

પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં મુખ્યમથક ગોધરા ખાતે નવીન ભાજપ કાર્યાલય કમલમનો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. તથા સરપંચ સાથે વાર્તાલાપ પણ કર્યો. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ પરિવારની નહિ, પરંતુ કાર્યકર્તાઓની પાર્ટી છે અને આ કાર્યકર્તાઓ સત્તા માટે નહિ પરંતુ ભારતમાતાનો જયઘોષ સાંભળવા માટે કાર્યરત છે. નવીન કાર્યાલય પંચમહાલની પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે કાર્યકરોને ઉત્તમ માળખાકીય સુવિધા પૂરી પાડશે તેમ જણાવતા મુખ્યપ્રધાને કાર્યકરોને આગામી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં તમામ બેઠકો જીતવા માટે સક્રિય થવા હાકલ કરી હતી.

આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત

વર્તમાન સરકારના નેતા, નિયતી અને નીતિથી ચોખ્ખા હોવાનું જણાવતા મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, ખેડૂતો-વંચિતો, મહિલાઓ, શોષિતો-ગરીબોના કલ્યાણ માટે સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણના, કિસાન સૂર્યોદય યોજના, વિના મૂલ્યે પાક વીમા સહાય, ટેકાના ભાવે ખરીદી, ડિજીટલ સેવાસેતુ, મા અમૃતમ-વાત્સલ્ય કાર્ડ યોજના, આયુષ્માન ભારત યોજના સહિતના લીધેલા પગલાઓનો ઉલ્લેખ કરતા પક્ષના કાર્યકરોને ગરીબી, બેકારી, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત નવા ભારતના નિર્માણની દિશામાં પ્રવૃત થવા હાકલ કરી હતી. મુખ્યપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં પક્ષનો વિજય નિશ્ચિત છે. પરંતુ તેને વધુ મોટો બનાવવાનું કાર્ય કરવા કાર્યકરોએ કોઈ સંશય વગર કાર્ય કરવાનું છે. કાર્યક્રમમાં બ્યુગલ વગાડીને નગરપાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રચારની શરુઆત કરવામાં આવી હતી.

ચૂંટણી જીતવામાં ફાળો કાર્યકરોની સક્રિયતાનો છે

જિલ્લાના કાર્યાલય ઉદ્દઘાટન બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પંચમહાલ જિલ્લાના 400થી વધુ સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ પણ સ્વીકારે છે કે, ભાજપે બનાવેલી પેજ કમિટીઓ અણુબોંબ જેવુ અમોધ શસ્ત્ર છે. સરકારના સ્વચ્છ અને મજબૂત શાસન તેમજ આ પેજ કમિટીઓની સક્રિયતાથી કોંગ્રેસ દરેક સીટો પર મોટા માર્જિનથી હારશે અને અનેક સીટો પર તેમની ડિપોઝીટ જપ્ત થશે. ચૂંટણી જીતવામાં સૌથી મોટો ફાળો નેતાઓ નહીં, પરંતુ પાયાના કાર્યકરોની સક્રિયતાનો છે. રાજ્યના દરેક ગામને આદર્શ ગામ બનાવવા અંગે વાત કરી હતી.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણી લોકો રહ્યા હાજર

આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, કૃષિ રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય સી.કે.રાઉલજી, જેઠાભાઈ ભરવાડ, સુમનબેન ચૌહાણ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સંગઠન મહાપ્રધાન ભીખુભાઈ દલસાણિયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રામસિંહ રાઠવા, પ્રભાતસિંહ ચૌહાણ, મયંકકુમાર દેસાઈ, ધવલકુમાર દેસાઈ, જિલ્લાના સંતગણો સહિતના અગ્રણી નાગરિકો તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details