પંચમહાલ: જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલે આગામી ગણેશોત્સવના આયોજન સંદર્ભે ગણેશ મંડળોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરએ બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા અનલોક-2 સંદર્ભે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોઈપણ પ્રકારના સામાજિક, ધાર્મિક, રાજકીય જાહેર કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ છે. ત્યારે જિલ્લામાં આગામી ગણેશોત્સવની જાહેર ઉજવણી કરી શકાશે નહીં. જિલ્લામાં 350 કરતા વધુ કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે. ત્યારે સાવચેતીના પગલાઓનું ચુસ્ત પાલન અનિવાર્ય બન્યું છે. તેમ જણાવતા કલેક્ટરએ કોરોના આફતના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષનો ગણેશોત્સવ પોતાના પરિવારજનો સાથે ઘરે જ ઉજવવા અપીલ કરવામાં આવી હતી.
ગોધરા ખાતે કેલક્ટરે ગણેશ ઉત્સવને લઈને આયોજકો સાથે બેઠક યોજી - Panchmahal District Collector held a meeting regarding Ganesh Mahotsav
પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવ અંગે ગણેશ મંડળો સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલિસ વડા સાથે બેઠક યોજી હતી. જેમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગણેશ ઉત્સવની ઉજવણી ઘરે જ કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ વિસર્જન શોભાયાત્રા જાહેર સ્થળોએ અને પંડાલોનું આયોજન કરી શકાશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે સરકારએ જાહેર કરેલ નિયમો અનુસાર વિસર્જન માટે શોભાયાત્રા કે જાહેર સ્થળોએ પંડાલોનું આયોજન કરી શકાશે નહીં. ભાવિકજનોને પોતાના ઘરે જ ગણેશ સ્થાપના અને વિસર્જન કરવા અનુરોધ કર્યો હતો. આ બાબતે સામાન્યજનોને પણ જાગરૂત કરી તેમને સંક્રમણ સામે સુરક્ષિત કરવા તેમજ કોરોના સામે સરકારની લડતમાં યોગદાન આપવા અરોરાએ ઉપસ્થિત પ્રતિનિધીઓને અપીલ કરી હતી.
જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલે જણાવ્યું હતું કે કોરોના કટોકટીના સંદર્ભમાં સરકાર દ્વારા અનલોક-02ની ગાઈડલાઈન પ્રમાણે સંક્રમણનું જોખમ ટાળવા દરેક પ્રકારના મેળાવડાઓના આયોજન પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. લોક ડાઉન દરમિયાન મળેલા અને અનલોકના તબક્કાઓ દરમિયાન મળી રહેલા કેસોની સંખ્યાના તફાવતનો ઉલ્લેખ કરતા તેમણે સંક્રમણનું જોખમ વધ્યું છે. ત્યારે સરકારના આદેશ પ્રમાણે ઉત્સવોની જાહેર ઉજવણી કરી શકાય તેમ નથી તેમ ઉમેર્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર મહેન્દ્ર નલવાયા, પ્રાંત અધિકારી ગોધરા, નાયબ પોલિસ અધિક્ષક સહિતના અધિકારીઓ અને વિવિધ ગણેશમંડળોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.