પંચમહાલ : લોકડાઉન દરમ્યાન પોતાના વતન જતા રહેલા લોકો હવે રોજગારી માટે પરત ફરી રહ્યા છે. ત્યારે ઉત્તરપ્રદેશના કાનપુરથી સુરત જઇ રહેલી એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેના પગલે બસમાં સવારી કરી રહેલા 35 જેટલા લોકોને ઇજા થઇ હતી. આ અકસ્માતમાં ઇજા પામેલ લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, આ ખાનગી બસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશથી સુરત શ્રમજીવીઓને લઇને જતી બસને નડ્યો અકસ્માત, 35 ઇજાગ્રસ્ત - પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા પરવડી બાયપાસ ચોકડી પાસે ઉત્તરપ્રદેશના કાનપુરથી સુરત શ્રમજીવીઓને લઈ જતી એક ખાનગી બસ પલ્ટી જતા 35 જેટલા લોકોને ઇજા થઇ હતી.
આ બસમાં 60 ટકા કરતા વધુ લોકો સવાર હતા. તેમજ કુલ 140 જેટલા લોકોને ઘેટાં બકરાની માફક ભરવામાં આવ્યા હતાં. વધુમાં પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, બસનો ચાલક નશાની હાલતમાં બસ હંકારતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઇ ન હતી. તેમજ 35 લોકોને નાની મોટી ઈજાઓ થઇ હતી. જ્યારે વધુ ગંભીર જણાતા 3 લોકોને વધુ સારવાર માટે બરોડા ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ બાકીના લોકોને ગોધરા ખાતેની સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ અકસ્માતના પગલે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.