ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરાની બાળકી જશે અમેરિકા, અમેરિકન દંપતીએ લીધી દત્તક

ગોધરા: અમેરિકાના કેન્સાસ શહેરના એક દંપત્તી દ્વારા ગોધરાના બાળ ગૃહની ત્રણ વર્ષીય બાળકીને દત્તક લેવામાં આવી છે. આ બાળકીને બે વર્ષ અગાઉ દાહોદ નજીક ખેતરમાં ત્યજી દેવામાં આવી હતી. જેને હવે અમેરિકન દંપત્તીએ દત્તક લીધી છે.

American couple adopts godhra baby girl
અમેરિકન દંપત્તીએ બાળકી દત્તક લીધી

By

Published : Dec 12, 2019, 3:31 PM IST

Updated : Dec 12, 2019, 9:41 PM IST

દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર પ્રેમ તથા પ્રેમાળ પરિવાર હોય છે અને તે દિશામાં પ્રયાસ કરવો આપણી ફરજ પણ છે. ગુજરાત સરકાર અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની દિશામાં કટિબદ્ધ બની છે અને પૂરતા પ્રયાસો કરી રહી છે, ગુજરાત સરકારનો પ્રયાસ રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળ ગૃહમાં ગુરૂવારે ત્રણ વર્ષની બાળકી સ્તુતિને USAના કેન્સાસ શહેરના દંપતી કેન્ટ હેકમેન અને બ્રુક હેકમેન દ્વારા દત્તક લેવામાં આવી હતી. 2 વર્ષ અગાઉ સ્તુતિ દાહોદ નજીકના ખેતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી અને ગોધરા ચિલ્ડ્રન હોમ લાવવામાં આવી હતી. ત્યારે તેનો માનસિક અને શારીરિક વિકાસ તેની ઉંમરની તુલનામાં મંદ હતો. ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને હૂંફને પરિણામે તે ચાલતા શીખી અને થોડું થોડું બોલતા પણ શીખી છે.

અમેરિકન દંપત્તીએ બાળકી દત્તક લીધી

ગોધરા ખાતે ગુરૂવારે બાળ ગૃહમાંથી દત્તક લેનાર અમેરિકન દંપતિ પૈકી માતા બ્રુક હેકમેનને પણ 35 વર્ષ અગાઉ કોલકાતાના બાળ ગૃહમાંથી અમેરિકન પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યાં હતા. આ ઘટનાથી પ્રેરાઈને તેઓ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઈચ્છા ધરાવતા હતા. જે ઈચ્છા સ્તુતિને દત્તક લેવા સાથે તેમણે પૂર્ણ કરી છે.

પિતા કેન્ટ હેકમેને જણાવ્યું હતું કે, કારા નામની વેબસાઇટ પર બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવ્યા બાદ વેબસાઈટ પર સ્તુતિનો ફોટો જોતાની સાથે તેમને અને પત્ની બ્રૂકને બાળકી સાથે વાત્સલ્ય અનુભવાયું હતું અને તેમણે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ બાળકીની લર્નિંગ ડિસએબિલીટીઝથી અવગત છે અને તેનો સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને શિક્ષકો ઉપલબ્ધ કરાવશે. અમેરિકન દંપતિને આ બાળકી જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા સોંપવામાં આવી હતી. બાળકીને અમેરિકન માતા-પિતા મળતા બાળગૃહના તમામ લોકોમાં ખુશી જોવા મળી હતી.

Last Updated : Dec 12, 2019, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details