પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહારના રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ દ્વારા પોલીસ લાઈનની સામે આવેલી ખુલ્લી જગ્યામાં શાસ્ત્રોક્ત વિધી સાથે નવીન બસ સ્ટેશનનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલનું મોરવાના અગ્રણી વિક્રમભાઇ ડીંડોરે આદીવાસી પહેરવેશમાં કોટી, કડું અને પાઘડી તેમજ તીર કામઠું પહેરાવીને પરંપરાગત વેશભૂષા સાથે સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઇશ્વરસિંહ પટેલે ઉપસ્થિત જનતાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય પ્રજાને લાભો મળી રહે તે માટે CM વિજય રૂપાણી અને D.CM નીતિન પટેલે છેવાડાના માનવી સુધી પહોંચવા ચિંતિત છે. સોમવારે મોરવા હડફ ખાતે 1.28 કરોડ રૂપિયાના નવીન સ્ટેશનનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. અહીં નવીન બસ સ્ટેશન બનવાથી લોકોને સારી સુવિધા મળી રહેશે. વળી ગુજરાતના અન્ય વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં પણ એરપોર્ટ જેવા અત્યાધુનિક બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે."