ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડમા મળેલી બેઠકમાં માર્ગ સલામતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે હોટેલોની સામેના ડિવાઈડરો તોડનારા હોટેલમાલિકો સામે પગલા લેવાયા કે કેમ? તે બાબતે અધિકારીઓ સાથે પૃચ્છા કરી હતી. તેમજ જિલ્લાના માર્ગો પર જરૂર જણાય ત્યાં સાઈનેજિસ, રિફલેક્ટર્સ, રોડ પેઈન્ટ લગાડવા, હાઈવે પર પડેલા ખાડાઓનું સમારકામ કરવા અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. શહેરમાં ટ્રાફિકનું નિયમન અને નિયંત્રણ કરવાના હેતુથી કેમેરા લગાડવાનું કામ ઝડપથી પૂર્ણ કરી CCTV ફુટેજના આધારે ઈ-મેમો ઈશ્યુ કરવાની પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપ્યા હતા.
આ ઉપરાંત દ્વિચક્રીય વાહનચાલકો માટે હેલમેટ પહેરવાના નિયમનો વધુ સખતાઈથી અમલ કરાવવા તેમજ કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓને પણ હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર લઈને ન આવવાનો પરિપત્ર કરવા સૂચના આપી હતી. રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો તેમજ નિયમોનો ભંગ કરનારા સ્કૂલવાન-બસોના લાઈસન્સ રદ કરવા અંગેનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હતો.