જિલ્લાના કલોલ તાલુકાના બરોલા ગામના સોમાભાઈ વણકરને એક પુત્ર અને બે પુત્રીઓ છે. જેમાંથી બન્ને દીકરીઓના લગ્ન બાદ હવે તેના પુત્ર અરવિંદ માટે છોકરીની શોધમાં છે. ત્યારે તેમના એક જાણીતાએ છોકરી બતાવીને છોકરીના માતા-પિતા ગરીબ હોવાથી 1 લાખ રોકડા આપો તો કોર્ટમાં લગ્ન કરાવી આપીએ તેમ કહ્યું હતું. લગ્ન ઈચ્છુક અરવિંદ પોતાના માતા-પિતાને લઈને છોકરી જોવા માટે ગયા હતા. ત્યારબાદ યુવકને છોકરી ગમી જતા બંન્નેના કોર્ટ મેરેજ કરાવવાનું નક્કી થયું.
ત્યારબાદ બંને પક્ષ વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવનાર ઈસમોએ અરવિંદના પિતા પાસેથી રોકડા 1 લાખ રૂપિયા લઇને કોર્ટ મેરેજના નામે નોટોરાઈઝ એફિડેવિટ કરીને છોકરીને અરવિંદ સાથે તેના ગામ બરોલા મોકલી આપી. માત્ર નોટરી જેવા દસ્તાવેજોના આધારને કોર્ટ મેરેજ માની બેઠેલા અરવિંદે પોતાની પરિણીતા સંગીતાને પોતાના ઘરે બરોલા લઈ ગયો. ત્યારબાદ તમામ લગ્ન વિધિ પતાવીને નવયુગલને એકાંત આપવા માટે બન્નેને ઘરના પાછળના ભાગે સુવા માટે વ્યવસ્થા કરાઈ હતી. ત્યારબાદ અરવિંદની આંખ લાગી ગઈ જેનો મોકો ઉઠાવીને તેની પત્ની ભાગી ગઈ હતી. મોડી રાત્રે પોતાની પાસે સુતેલી પત્ની જોવા ન મળતા અરવિંદે પરિવારને જાણ કરી. લૂંટેરી દુલ્હન એવી સંગીતા એક રીક્ષામાં તેના અન્ય ત્રણ સાથીઓ સાથે મળી આવી હતી.
આ સમગ્ર મામલે કાલોલ પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી. કાલોલ પોલીસે ભોગ બનનાર અરવિંદની ફરિયાદના આધારે ઠગ ટોળકીના ત્રણ ઈસમો તેમજ લૂંટેરી દુલ્હન એવી સંગીતાની ધરપકડ કરી. કાલોલ પોલીસની તપાસમાં કાલોલના જ વાંટા રીંછીયા ગામના અન્ય એક યુવક જશવંત સાથે પણ આ ઠગ ટોળકીએ કાવતરું રચીને રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ટોળકીના ભોગ બનેલા અરવિંદના સગા થતાં એવા વાંટા રીંછીયા ગામના જશવંત પરમારને પણ વચેટિયાઓએ અરવિંદની જેમ જ લગ્નની લાલચ આપી હતી. જ્યારે જશવંત ઓછું ભણેલ અને છૂટક મજૂરી કરતો હોવાથી લાચાર પિતાએ પોતાની જમીન ગીરવે મૂકીને પુત્રનું ઘર વસાવવા જેમ તેમ કરી 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી.