પંચમહાલ : હાલોલ એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટના જજે 20 વર્ષ જૂના કેસમાં ચુકાદો આપતા તમામ 39 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આરોપીઓના પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો. આરોપીઓના પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો.
રમખાણોની ઘટનાઓ :ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને સળગાવવાની ગોઝારી ઘટનાને પગલે તત્કાલીન સમયે પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં ફાટી નીકળેલા રમખાણોની ઘટનાઓ અંગે પોલીસે કાલોલ ખાતે ઉભા કરવામાં આવેલા રાહત કેમ્પોની મુલાકાતો લીધી હતી. મુલાકાતો દરમિયાન અસરગ્રસ્તોના નિવેદનોને આધારે સરકારી રાહે દાખલ કરેલી આ કેસની ફરિયાદની વિગતો અનુસાર તારિખ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા ખાતે સર્જાયેલ સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટનાને પગલે કાલોલ તાલુકા વિસ્તારમાં પણ ફાટી નીકળેલા કોમી હુમલાના દાવાનળમાં તારિખ 01 માર્ચ 2002ના રોજ દેલોલ ગામ ખાતે વસવાટ કરતા મુસ્લિમ કોમના લોકો પર આજુબાજુના ગામના લોકોએ કરેલા હુમલાઓથી બચવા માટે મુસ્લિમ કોમના 38 વ્યક્તિઓ જીવ બચાવવા માટે એક ટેમ્પામાં બેસીને દેલોલથી કાલોલ મુકામે આવવા રવાના થયા હતા.
11 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા :સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં કાલોલ હાઈવે સ્થિત અંબીકા સોસાયટીના નાકાના ગરનાળા પાસે આવતા રોડ ઉપર હિંન્દુ કોમના 300 થી 400 માણસોના ટોળાએ રોડ પર રેતી ભરેલા પીપડાની આડસો ઉભી રાખી ગેરકાયદેસર અવરોધ કર્યો હતો. હાથમાં મારક હથિયારો અને જવલનશીલ પ્રવાહીઓના કારબા સાથે કરેલા હુમલા દરમિયાન ગરનાળા પાસે ટેમ્પો પલ્ટી ખાઈ જતા ટેમ્પોમાંથી બહાર નીકળતા સમયે થયેલા હુમલામાં લઘુમતી કોમના 11 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા. 18 જેટલી વ્યક્તિઓ ગુમ થયેલા અને ગુમ થયેલા પૈકીના એક મહિલા પર કથિત દુષ્કર્મ ગુજાર્યો હોવાની ચકચારી ઘટના અંગેની પોલીસ તપાસ અને નિવેદનોને આધારે કાલોલ પોલીસે તત્કાલીન સમયે શકમંદ એવા 48 આરોપીઓ વિરુદ્ધ ફરીયાદની હકીકત મુજબ આઈ.પી.સી. કલમ-143, 145, 147, 148, 149, 435, 436, 302, 376, 323, 324, 325,504, 506(2), 427, 341 તથા બી.પી.એકટ ની કલમ-135 મુજબની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધીને હાલોલ જયુડિશયલ સેશન્સ કોર્ટની રાહે સમગ્ર કેસની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.