રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ પૈકીની 30 કે, તેથી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓ આગામી સત્રથી મર્જ કરવાનો નિર્ણય લેવાયો હતો. સરકારના આ નિર્ણયમાં પંચમહાલ જિલ્લાની 119 શાળાઓનો સમાવેશ થાય છે. હાલ આ શાળાઓમાં 2767 બાળકો અભ્યાસ કરે છે. જ્યારે 239 શિક્ષકો ફરજ બજાવે છે.
પંચમહાલની 119 સરકારી શાળાઓને મર્જ કરાઇ
પંચમહાલ: રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ખાનગી શાળાઓની કોમ્પિટિશનમાં યોગ્ય,મફત અને ગુણવત્તા સભર શિક્ષણ આપવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારી પ્રાથમિક શાળાઓ પૈકીની 30 કે તેથી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓ આગામી સત્રથી મર્જ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આગામી 14 નવેમ્બરથી શાળાનું સત્ર શરૂ થતા પૂર્વે સરકારના પરિપત્રના અમલીકરણના ભાગરૂપે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની ઔપચારિક બેઠક પણ મળી હતી. જેમાં શાળાઓ સશક્તિકરણ અંગે હકારાત્મક નિર્ણય લેવાયો હતો. તેમજ વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, સરકાર દ્વારા ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં સગવડને મુદ્દે થતું આર્થિક ભારણ ઉપરાંત બાળકોના શિક્ષણની બાબતોને ધ્યાને લઇ ઉક્ત નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે કેટલાક એનાલિસિસ કરી નિર્ણયો પણ લેવામાં આવે છે. એવો જ એક ઓછા બાળકો ધરાવતી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય છેલ્લા કેટલાક સમયથી લઈ અમલીકરણ માટે વિચારણા કરવામાં આવી રહી હતી. જેની જરૂરી માહિતી એકત્ર કર્યા બાદ હવે આ નિર્ણયને આગામી સત્રથી અમલમાં મુકવામાં આવી રહ્યો છે.
પંચમહાલ જિલ્લામાં પણ 119 શાળાઓ મર્જ કરવામાં આવશે. જેમાં તાલુકા મુજબ જોઈએ તો ગોધરા-34, જાંબુઘોડા-11, હાલોલ-26, કાલોલ-18, મોરવા (હ)-03, ઘોઘબા-12 અને શહેરા તાલુકાની 16 પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા આ સાથે એક જ કેમ્પસમાં આવેલી કુમાર અને કન્યા શાળાઓને પણ જેની સંખ્યા 200 કરતાં ઓછી હોય એવી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લેવાયો હતો. પંચમહાલમાં કુલ 1410 શાળાઓ છે. જેમાં 119 શાળા મર્જ કર્યા બાદ 1291 જેટલી શાળાઓ રહેશે.