નવસારી : પીપલગભાણ પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત ગરોળી નીકળતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઈને તંત્ર દોડતું થયું હતું, હાલ સમગ્ર મામલાને લઈને સંપૂર્ણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, ત્યારે નવસારી ખાતે યોગા દિવસ ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા એ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજનમાં આવતી ફરિયાદોમાં કડક તપાસ કરાશે.
Navsari News : પ્રાથમિક શાળાના ભોજનમાં ગરોળી નીકળવાના મુદ્દે શિક્ષણ પ્રધાનનું મહત્વનું નિવેદન - Yoga Day Praful Pansheriya visit Navsari
રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા યોગા દિવસને લઈને નવસારીની મુલાકાતે હતા. થોડા સમય પહેલા નવસારીની પ્રાથમિક શાળાના ભોજનમાં ગરોળી નીકળતા બાળકો ગભરાઈ ગયા હતા. ત્યારે આ બાબતે સવાલ કરતા શિક્ષણ પ્રધાને કહ્યું કે, યોગ્ય તપાસ કરાશે.
મધ્યાહન ભોજનમાં આવતી ફરિયાદોમાં ન્યાયિક તપાસ કરાશે સાથે ભોજનમાં ગરોળી નીકળવા મુદ્દે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. તો બીજી તરફ શિક્ષકોની ઘટ મુદ્દે વાત કરતા નવસારીના આદિવાસી વિસ્તારોમાં નહીં સમગ્ર રાજ્યમાં શિક્ષકોની ઘટની ફરિયાદ છે. તેથી રાજ્યમાં શિક્ષકોના બદલી કેમ્પ બાદ શિક્ષકોની ભરતી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. - પ્રફુલ પાનસેરીયા (ગુજરાત રાજ્ય શિક્ષણ પ્રધાન)
શું હતો સમગ્ર મામલો : નવસારીના ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે થોડા દિવસ પહેલાં પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત ગરોળી નીકળતા માહોલ ગરમ થઈ ગયો હતો. જેથી ફરજ પરના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભોજન ખાતા અટકાવ્યા હતા અને પીરસવાનું બંધ કરી દીધું હતું. બપોરના ભોજનમાં પીરસાયેલા દાળ ભાતમાં એક બાળકની થાળીમાં ગરોળી નીકળી હતી. ગરોળી થાળીમાં નીકળતા બાળકો સાથે શિક્ષકો પણ ભયભીત થયા હતા. જોકે, આ ઘટના સર્જાતા ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવતા ભોજનની ચકાસણી થોડા થોડા સમયે સ્થળ પર મુલાકાત લઈને શિક્ષણ અધિકારીઓએ કરી જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી.સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પ્રાથમિક અધિકારીને થતા તેની સંપૂર્ણ તપાસ પણ સોંપી દેવામાં આવી છે.