પાથરી ગામની માટીની બોલબાલા નવસારી : નવસારી જિલ્લામાં આવેલા ગણદેવી તાલુકાના પાથરી ગામની વિશેષ પ્રકારની લાલ માટી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાનાર વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં મહત્વની ભૂમિકા ભજવશે. પીચ બનાવવા માટે બીસીસીઆઈ દ્વારા ખાસ પાથરી ગામથી લાલ માટી લઈ જઈ ભારત અને ઓસ્ટ્રેલિયાના ફાઇનલ મુકાબલા માટે વિશેષ પીચ તૈયાર કરવામાં આવી છે. શું છે આ લાલ માટીની વિશેષતા જોઇએ.
વિશેષ પ્રકારની પિચ તૈયાર : હાલ ભારતમાં વિશ્વ કપ ટુર્નામેન્ટને લઈને એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને પ્રવેશ મળ્યા બાદ ઉત્સાહમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ થવા જઈ રહી છે. ત્યારે આ રોમાંચક મેચ માટે વિશેષ પ્રકારની તૈયારીઓ સાથે બીસીસીઆઈ દ્વારા વિશેષ પ્રકારની પિચ પણ તૈયાર કરવામાં આવી છે. જે આવતીકાલના મુકાબલા માટે મહત્વની કડી સાબિત થશે.
બીસીસીઆઈના મુખ્ય પિચ ક્યુરેટરો દ્વારા ગણદેવીના પાથરી ગામની લાલ માટીનું ક્લે કન્ટેન્ટ એટલે કે (ભેજ - ચિકાસ) નું લેબ ટેસ્ટીંગ કરી આ માટી પર પસંદગી ઉતારવામાં આવી છે. છેલ્લા 16 વર્ષથી ગુજરાતના અલગ અલગ સ્ટેડિયમમાં આ લાલ માટીનો ઉપયોગ પિચ બનાવવા માટે થાય છે. કારણ કે વિશેષ પ્રકારની આ માટીમાં ભેજ હોવાના કારણે જ્યારે આ પિચ બનાવવામાં આવે છે ત્યારે તેની થિકનેસના કારણે તેને મજબૂતાઈ મળે છે. જેથી લાંબો સમય સુધી આ પીચ પર ક્રિકેટ રમી શકાય છે. સાથે આ પિચ બોલરો અને બેટ્સમેનો બંનેને ફાયદાકારક સાબિત થાય છે..પ્રવીણભાઈ પટેલ (પિચ ક્યુરેટર અને ક્રિકેટ કોચ, બીલીમોરા )
બીસીસીઆઈ દ્વારા પિચ બનાવાઇ :ક્રિકેટની રમતમાં ખેલાડીઓનું જેટલું મહત્વ હોય છે તેટલું જ મેચ રમાઈ રહી હોય તે પિચનું હોય છે. જેથી ક્રિકેટના દરેક મુકાબલામાં પિચની મહત્વની ભૂમિકા હોય છે. આવતીકાલે વર્લ્ડ કપ ફાઇનલ મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થવા જઈ રહ્યો છે. તે માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીસીસીઆઈ દ્વારા એક વિશેષ પ્રકારની પિચ તૈયાર કરવામાં આવી છે. જે પિચમાં વપરાયેલી ખાસ લાલ પ્રકારની માટી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પાથરી ગામથી મંગાવવામાં આવી છે. જેની એક અલગ વિશેષતા છે. ક્રિકેટની પિચ બનાવવા માટે બે પ્રકારની માટી વપરાતી હોય છે. એક લાલ અને એક કાળી જેમાં લાલ માટી જવલ્લે મળતી હોય છે. સામાન્ય માટીના ટ્રક આઠથી દસ હજાર રૂપિયે મળે છે ત્યારે લાલ માટી બમણા ભાવમાં મળતી હોય છે.
લાલ માટી પિચની વિશેષતા : બીસીસીઆઈ દ્વારા ગણદેવી ગામની લાલ માટીનો ઉપયોગ છેલ્લા 16 વર્ષથી કરવામાં આવી રહ્યો છે. ગણદેવીની લાલ માટીમાં ભેજ વધારે પ્રમાણમાં હોવાથી પિચમાં થીકનેસ આવે છે જેથી મેચ દરમિયાન આ પિચ ધુરાળું થતી નથી. સાથે પીચ પર ક્રેક જલ્દી પડતા નથી. જેના કારણે બોલરને બોલનો બાઉન્સ એકસરખો મળે છે અને બોલ સ્વિંગ પણ વધારે થાય છે. જેમાં બોલરોને વધુ ફાસ્ટ બોલ નાખવા માટે મદદ મળી રહે છે.
બેટ્સમેનોને રમવામાં સરળતા : તો બીજી તરફ બેટ્સમેન માટે પણ આ પિચ ઘણી ફાયદાકારક રહે છે. કારણ કે એક સરખા બોલના બાઉન્સના કારણે બેટ્સમેનોને રમવામાં સરળતા રહે છે. જ્યારે બેટ્સમેન કોઈ ભૂલ કરે તો આઉટ થાય. જેથી પીચ ક્યુરેટરો પણ લાલ માટેની પિચ બનાવવા માટે આગ્રહ રાખે છે. જેથી ગુજરાતમાં અને અન્ય રાજ્યોના ક્રિકેટ સ્ટેડિયમમાં પિચ બનાવવા માટે વાપરવામાં આવે છે.
સ્થાનિકો ઘરના નળિયાં બનાવતાં: જેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં પણ ગણદેવીથી લઈ જવામાં આવેલી લાલ માટીનો ઉપયોગ કરી પિચ બનાવવામાં આવે છે. વર્ષો અગાઉ આ લાલ માટીનો ઉપયોગ પાથરી ગામના સ્થાનિકો ઘરના લાલ નળિયાં બનાવવા માટે ઉપયોગમાં લેતા હતાં. જેથી લાલ માટીના નળિયાનો ઉદ્યોગ આ વિસ્તારમાં ઘણો પ્રચલિત થયો હતો.
- વર્લ્ડ કપની ફાઈનલ મેચ પિક પર હશે ત્યારે પીએમ મોદી સ્ટેડિયમમાં આવશે, ચૂંટણી પ્રચારમાંથી સીધા પહોંચશે
- વિશ્વ કપ 2023: ફાઈનલ મેચ માટે ફોરેન ક્રિકેટ ફેન્સે 5 લાખ ખર્ચ્યા, હોટલોના ભાડા આસમાને, 2000વાળી રુમના ભાવ 50,000