- મહિલાઓએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કરી ફરિયાદ
- દારૂ પીને પીયકડો પથ્થરમારો કરતા હોવાના આક્ષેપ કરાયા
- રાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓને બહાર નીકળવું મુશ્કેલ
નવસારી: દારૂબંધી હોવા છતાં નવસારી જિલ્લામાં ચોવીસી બાદ તીઘરા ગામની મહિલાઓએ ગામમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની માગ સાથે નવસારી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં દારૂની બદીને કારણે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી મહિલાઓની છેડતી કરતા હોવાના આક્ષેપો કર્યા હતા.
દેશી અને વિદેશી દારૂના અડ્ડાને કારણે ગામના 15 યુવાનોના થયા હતા મોત
ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગામડે ગામડે દારૂ વેચાઈ રહ્યો હોવાની કડવી વાસ્તવિકતા છે. આની પુષ્ટિ નવસારીના તીઘરા ગામે ચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓને બંધ કરાવવાની સ્થાનિક મહિલાઓની માગ કરે છે. મહિલાઓએ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી, દારૂના દૂષણના કારણે ગામના અંદાજે 15 યુવાનો મોતને ભેટતા મહિલાઓએ વિધવા જીવન વ્યતિત કરવા પડી રહ્યું છે તો ગત થોડા દિવસોથી રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો દારૂના નશામાં પથ્થરમારો કરતા હોવાની તેમ જ ફળિયામાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતા હોવાની ફરિયાદ ઉચ્ચારી હતી. જેથી ગામના ડોઝી ફળિયા, વચલા ફળિયા, વેરાઈ ફળિયા, પાર ફળિયા અને કાળા ફળિયામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગણી કરી હતી.