ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના ગામડાની મહિલાએ ખેત ઉત્પાદનના મુલ્ય વર્ધન થકી કંડારી નવી રાહ - ગણદેવા

કુદરત સામે માનવી હંમેશા પાંગળો સાબિત થયો છે. ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે બદલાતા ઋતુ ચક્રને કારણે છેલ્લા થોડા વર્ષોમાં ખેતીમાં નુકસાની જોવાઇ રહી છે. જેને કારણે જગતનો તાતનો પાક નિષ્ફળ જતા મોટુ આર્થિક નુકસાન વેઠે છે. ખેડૂતોની બદલાતી દશા સામે ખેત પેદાશોનું મુલ્ય વર્ધન કરી, તેમાંથી નફો રળવાની રીત નવસારીના નાના એવા ગણદેવા ગામના મહિલા ખેડૂતે અપનાવી નવી રાહ કંડારી છે. જેમણે ફળોના મુલ્ય વર્ધન સાથે ફ્રોઝન પદ્ધતિ થકી પોતાની આવક લાખોમાં પહોંચાડી છે.

નવસારીના ગામડાની મહિલાએ ખેતી ઉત્પાદોના મુલ્ય વર્ધન થકી કંડારી નવી રાહ
નવસારીના ગામડાની મહિલાએ ખેતી ઉત્પાદોના મુલ્ય વર્ધન થકી કંડારી નવી રાહ

By

Published : Jul 8, 2020, 9:38 PM IST

નવસારી: ગ્લોબલ વોર્મિંગ એટલી હદે વધી રહ્યું છે કે, તેની સીધી અસર ઋતુચક્ર પર પડી રહી છે અને ઋતુઓ બદલાવાને કારણે ખેતી પ્રભાવિત થઈ રહી છે. ત્યારે બદલાતા વાતાવરણ સાથે ખેડૂતોએ ખેત ઉત્પાદોના મુલ્ય વર્ધન તરફ વળવુ પડશે, જેથી બદલાતી ઋતુ સામે પણ ખેડૂતો નુકસાની વેઠવાને બદલે નફો મેળવી શકે. મુલ્ય વર્ધન થકી આર્થિક સદ્ધરતાનું ઉત્તમ ઉદાહરણ નવસારી જિલ્લાના નાના ગામ ગણદેવાના મહિલા ખેડૂત અજીતાબેન દેસાઈ છે.

નવસારીના ગામડાની મહિલાએ ખેતી ઉત્પાદોના મુલ્ય વર્ધન થકી કંડારી નવી રાહ

કેરીની મોસમમાં રસના બાટલા ભરવાથી પ્રભાવિત થઈ, તેમણે સાહસ ખેડ્યુ અને પતિ અને પરિવારના સહયોગથી વિવિધ ફળોમાંથી મુલ્ય વર્ધન કરવાની શરૂઆત કરી. વર્ષોની મહેનતને કારણે આજે અજીતાબેન કેરી, જાંબુ વગેરે ફળોનો પલ્પ, ચીરી બનાવી તેના મુલ્ય વર્ધન સાથે જ ફ્રોઝન કરી બારેમાસ આવક મેળવતા થયા છે. સાથે જ પોતાનું ફ્રોઝન યુનિટ સ્થાપી, તેઓ મોટી સંખ્યામાં મૌસમ અનુસાર ફળોનું મુલ્ય વર્ધન કરે છે.

જેમાં ફળોની છાલથી લઈ તેના બીજ સુધી તમામનો સદુપયોગ કરી મુલ્ય વર્ધન કરે છે, જેથી કોઈ વસ્તુ એળે નથી જતી અને આવક પણ મળે છે. અજીતાબેન કેરી, ચીકૂ, જામફળ, સીતાફળ, જાંબુ, જમરૂખ, સ્ટ્રોબેરીમાં મુલ્ય વર્ધન કરી પલ્પ બનાવે છે, જેની ફ્લેવર્ડ આઈસ્ક્રીમ, શ્રીખંડ સહિત કેટરિંગમાં પણ માંગ છે. તેઓનો ફળોનો પલ્પ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ પહોંચતો થયો છે.

નવસારીના ગામડાની મહિલાએ ખેતી ઉત્પાદોના મુલ્ય વર્ધન થકી કંડારી નવી રાહ

અજીતાબેન વગર પ્રિઝર્વેટિવે પલ્પ અને અન્ય પ્રોડક્ટ બનાવી એને ફ્રોઝન કરી છે, જેને આઈસ્ક્રીમ, શ્રીખંડ સહિત અન્ય ફ્લેવર્ડ પ્રોડક્ટ બનાવતા ઉદ્યમીઓને પહોંચાડે છે. જેને કારણે ગ્રાહકોમાં વિશ્વાસ પણ કેળવવામાં સફળ રહ્યા છે. મોટા પ્રમાણમાં પલ્પ વેચવા સાથે જ સ્થાનિક ગ્રાહકો પણ પ્રસંગોએ તેમને ત્યાંથી જ પલ્પ, ચીરી, જ્યુસ જેવા ઉત્પાદો લે છે. જેથી બદલાતા વાતાવરણમાં પાકમાં નુકશાનની ભીતિ વચ્ચે મુલ્ય વર્ધિત ઉત્પાદનો થકી અજીતાબેન વર્ષે દહાડે અંદાજે 400 ટન ફળોમાંથી લાખોનું ટર્ન ઓવર મેળવતા થયા છે.

નવસારીના ગામડાની મહિલાએ ખેત ઉત્પાદનના મુલ્ય વર્ધન થકી કંડારી નવી રાહ

બદલાતા વાતાવરણમાં ખેતી પાકોના નુકશાનથી બચવા ખેડૂત મુલ્ય વર્ધન તરફ વળે, તો ખોટ ખાવાને બદલે નફો રળી શકે છે અને એ પણ વર્ષમાં ગમે ત્યારે. જેથી કૃષિ નિષ્ણાંતો પણ ખેડૂતોને ખેત પેદાશોનું મુલ્ય વર્ધન કરવાની સલાહ આપવા સાથે જ તેના ફાયદા પણ ગણાવી રહ્યા છે.

ગ્લોબલ વોર્મિંગની અસરથી વાતાવરણનો માર સાજન કરતા ખેડૂતો માટે ખેત પેદાશોનું મુલ્ય વર્ધન આર્થિક રીતે આશીર્વાદરૂપ છે. કારણ મુલ્ય વર્ધિત ઉત્પાદનો માટે મોટું બજાર ઉપલબ્ધ છે, સાથે જ શુદ્ધતાને કારણે ભાવ પણ સારા મળવાથી ખેડૂતો આર્થિક નુકશાનીમાંથી પણ બચી શકશે.

ABOUT THE AUTHOR

...view details