- આજ સુધી કોઇ પણ સરકારના બહેરા કાને વાટી ગામની રજૂઆત ન સાંભળી
- ચોમાસામાં અંબિકામાં પાણી વધતા, વાટી થાય છે સંપર્ક વિહોણું
- વાટી સાથે ડાંગ અને તાપીના ગામડાઓને પણ પડે છે મુશ્કેલી
નવસારી: નવસારી જિલ્લાની સરહદે આવેલુ ગામ જે ડાંગ અને તાપી જિલ્લાને જોડતા વાટી ગામના લોકો દર વર્ષે ચોમાસામાં અંબિકા નદીમાં જળસ્તર વધતાં વાંસદાથી સંપર્ક વિહોણા થઈ જાય છે. અંબિકા નદી પર પુલ બનાવવાની ગ્રામજનોની વર્ષો જૂની રજૂઆત કોંગ્રેસ હોય કે ભાજપ સરકાર તેમના કાને પડી નથી. બીજી તરફ ચોમાસુ બાદ પણ ગ્રામજનોએ વાંસદા આવવા માટે લોક ફાળો ઉઘરાવી નદી પર નાળા નાંખીને કાચો રસ્તો બનાવવો પડે છે. જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસી વિસ્તારની વિકાસગાથાની ચાડી ખાય છે.
વિકાસ મોડલ ગુજરાતના આદિવાસી પટ્ટાના વાંસદા તાલુકાના છેવાડાના વાટી ગામના ગ્રામજનોએ વર્ષોથી અંબિકા નદી પર પુલ ન બનતા ચોમાસા દરમ્યાન મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાટી ગામ નવસારી, ડાંગ અને તાપી જિલ્લાને જોડતું ગામ છે. વાંસદાના સરા અને વાટી ગામ વચ્ચેથી અંબિકા નદી પસાર થાય છે અને તેની મોટી કોતરો વચ્ચેથી પાટી ગામના લોકો વાંસદા આવન-જાવન કરતા હોય છે. વાટીના ગ્રામજનો વર્ષોથી અંબિકા નદી ઉપર કોઝવે કે નાનો પુલ બનાવવાની માંગણી કરી રહ્યાં છે પરંતુ કોંગ્રેસથી લઈને ભાજપની રૂપાણી સરકારના બહેરા કાનોમાં વાટીના લોકોનો અવાજ પહોંચ્યો જ નથી. દર વર્ષે ચોમાસામાં અંબિકા નદીમાં જળસ્તર વધતાં વાટી વાંસદાથી સંપર્ક વિહોણું થઈ જાય છે. જેના કારણે વાટી સહિત ડાંગ અને તાપીના સરહદી ગામોના લોકોએ ડાંગના વઘઇ થઈ 30 કિલોમીટર લાંબો ચક્કર ખાઈને વાંસદા આવવું પડે છે. ખાસ કરીને મેડિકલ ઈમર્જન્સી કે ગામમાં કોઈ અવસાન પામે તો ગ્રામજનોની સ્થિતિ કફોડી બને છે. ચોમાસામાં નદીનું જળસ્તર ઓછું હોય તો ઘણીવાર લોકો ગરદન સમા પાણીમાં નદી પાર કરવા મજબૂર બને છે. જેથી સરકાર પુલ નહીં તો નાનો કોઝવે પણ બનાવી આપે એવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે