- ગણદેવીમાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
- વેગણીયા ખાડીમાં પાણીની આવક વધતાં 250 પરિવારોનો ગણદેવીથી સંપર્ક તૂટયો
- ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદી બેે કાંઠે થઈ
નવસારી : નવસારીમાં ગત મોડી રાતથી મૂશળધાર વરસાદ વરસતા પાણી-પાણી થઈ ગયું હતું. ગણદેવી તાલુકામાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા, અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક વધી હતી. જેને કારણે ગણદેવીની વેંગણીયા ખાડીમાં જળસ્તર વધતા ગણદેવી-બીલીમોરાને જોડતો વેંગણીયા ખાડીનો બંધારો પાણીમાં ગરકાવ થયો હતો. જેથી ગણદેવીના સામે કાંઠે રહેતા 250 પરિવારોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો.
ગણદેવીમાં સવારે 6 થી 8 બે કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી અને ઉપરવાસમાં ગત મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં વરસેલા મૂશળધાર વરસાદને કારણે નવસારી અને ગણદેવી તાલુકામાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગણદેવી તાલુકાની નદીઓ ઉફાન પર
ગણદેવી તાલુકામાં સવારે 6 વાગ્યા સુધીમાં 3.50 ઇંચ વરસાદ વરસ્યો હતો, પરંતુ સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં જ ગણદેવીમાં બે ઇંચથી વધુ વરસાદ પડતાં તાલુકાની અંબિકા અને કાવેરી બંને નદીઓમાં પાણીની આવક વધતાં વેંગણીયા ખાડીમાં જળસ્તર વધ્યાં હતાં અને ગણદેવી-બીલીમોરા અને જોડતા વેગણીયાનો બંધારો પાણીમાં ગરક થયો હતો. આથી ગણદેવીના સામે કાંઠે રહેતા 250 પરિવારોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો. કલાકો સુધી આ પરિવારોએ ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો.