- ભારતીય સંસ્કૃતિમાં વૈદિક યજ્ઞનું ઘણુ મહત્વ
- યજ્ઞ થકી ભારતીય ઋષિઓ અનેક શક્તિઓ મેળવતા
- શહેરમાં 70 સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવાઈ
નવસારી :સતત પર્યાવરણને નુકશાન થવાથી વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળે છે. વાતાવરણ બદલાવાથી પૃથ્વીનું રક્ષણ કરતા ઓઝોન જેવા પડમાં પણ ગાબડા પડ્યા છે. પર્યાવરણ સાથે વાતાવરણને બચાવવા ભારતીય સંસ્કૃતિનું વૈદિક જ્ઞાન ઉત્તમ છે. જેમાં પણ યજ્ઞમાં વિવિધ ઔષઘીની આહૂતિ થકી ઋષિઓ વાતાવરણને શુદ્ધ બનાવવા સાથે અનેક શક્તિઓ પણ મેળવતા હતા.
ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ સમાન જ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી
વૈદિક પરંપરાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે નવસારી ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ સમાન જ વૈદિક હોળી પ્રગટાવવામાં આવે એવા પ્રયાસ થયા અને ગઇકાલે રવિવારે હોળીના પાવન પર્વે તેને સફળતા મળી છે. નવસારીની મજૂર મહાજન સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષોથી વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે. સ્થાનિકોએ 750 કિલો છાણની સ્ટીક સાથે હોળી બનાવી હતી. જેને ઘીની મદદથી પ્રગટાવી હતી સાથે જ એમાં કપૂર અને હવી હોમવામાં આવ્યા હતા. જેને કારણે ધુમાડો ઓછો અને વાતાવરણમાં શુદ્ધતા પ્રસરી હતી. જેની સાથે શહેરમાં 70 સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવાઈ હતી. જોકે પરંપરાગત હોળી કરતા વૈદિક હોળી ત્રણ ગણી મોંઘી સાબિત થાય છે.