- સુરત રિજનલ વેક્સિન સેન્ટરથી નવસારી પહોંચી કોવિશિલ્ડ
- પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડના 11,600 ડોઝ નવસારી આવ્યા
- જિલ્લાના 55 કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાશે કોવિશિલ્ડ
નવસારીઃ 21 મી સદીની સૌથી મોટી કોરોના મહામારીએ ભારતમાં લાખો લોકોને ચપેટમાં લઇ ઘણાના જીવ પણ લીધા છે, જોકે કોરોનાને નાથવાનો તોડ શોધવામાં ભારતને સફળતા મળી છે અને આજે કોવિશિલ્ડ વેક્સિન નવસારીના આંગણે પહોંચી છે. પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડના 11,600 ડોઝ નવસારી જિલ્લા વેક્સિન સેન્ટર ખાતે પહોંચતા જ નવસારીના ધારાસભ્ય અને જિલ્લા વિકાસ અધિકારીએ નારિયેળ વધાવી, પૂજન કરી વેકસિનના વધામણાં કર્યા હતા.
કોવિશિલ્ડ વેકસીનની પૂજા કરી લેવાયા વધામણાં
કોરોનાની સામે ભારતીયો મોઢે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સની લડાઈ લડી રહ્યા છે. જોકે તેની સાથે સાથે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાની રસી બનાવવા કમર કસી હતી, જેમાં ભારતને સફળતા મળી છે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત કોવિશિલ્ડ વેક્સિન કોરોનાનો તોડ સાબિત થઈ છે અને સરકારે કોવિશિલ્ડનો પ્રથમ તબક્કાનો જથ્થો અન્ય જિલ્લાઓ સાથે આજે મોડી સાંજે નવસારીના જિલ્લા વેક્સિન સેન્ટર ખાતે પહોંચાડ્યો હતો. જ્યાં નવસારીના ડીડીઓ પ્રશસ્તિ પરીખે નારિયળ ફોડીને વેક્સિનના વધામણાં કર્યા હતા. ધારાસભ્ય પિયુષ દેસાઈએ હાર પહેરાવ્યો હતો. જ્યારે વેક્સિન ઇન્ચાર્જ સુજીત પરમારે વેક્સિન બોક્સને વધાવી કોરોનાને નાથવા માટેની કામના કરી હતી.
વેક્સિન માટે જિલ્લામાં 55 કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરાઇ