- વાદળિયા વાતાવરણ સાથે વરસાદી છાંટણાથી રસ્તાઓ ભીંજાયા
- કમોસમી વરસાદથી પાકને નુકસાન
- ખેડૂતોની ચિંતામાં વધારો
નવસારી: નવસારીમાં 2 દિવસોથી ઠંડીનાં પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં ગુરૂવારે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવવાની સાથે જ કમોસમી વરસાદી છાંટણા પડતા રસ્તાઓ ભીંજાયા હતા. આ વાદળિયા વાતાવરણ અને કમોસમી માવઠાથી કેરી સહિત શાકભાજી અને કઠોળ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
કમોસમી માવઠા સાથે ઠંડીનો ચમકારો
ગત 5 દિવસોથી નવસારીમાં તાપમાનનો પારો 13.5 ડીગ્રીની આસપાસ રહેતા નવસારીવાસીઓ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ ઠંડી સાથે જ વાદળિયા વાતાવરણે આંબાવાડીમાં આવેલા મોરમાં ખરણની સંભાવના વધારી હતી. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરૂવારે વહેલી સવારે નવસારીમાં કમોસમી માવઠું થતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ભીંજાયા હતા. આ કમોસમી વરસાદી છાંટણાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ ફૂલગુલાબી ઠંડીનો અનુભવ પણ કર્યો હતો.
ખેતી પાકમાં નુકસાનની ભીતિ
ગુરૂવારે વહેલી સવારે પલટાયેલા વાતાવરણ સાથે પડેલા કમોસમી માવઠાથી આંબાવાડીમાં આવેલા મોરના ખરણની સંભાવના વધી છે. શિયાળામાં આંબા પર આમ્ર મંજરીઓ આવતી હોય છે. જેમાં પણ વાદળિયા વાતાવરણ સાથે ઠંડી કે કમોસમી માવઠાને કારણે મોર કાળા પડવા સાથે જ ખરી પડતા કેરીના પાકમાં નુકસાનીની સંભાવના વધે છે. બીજી તરફ શિયાળામાં લીલા શાકભાજી અને કઠોળ પાકોમાં પણ રોગ કે જીવાતની સંભાવના વધી જતા ખેડૂતોમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.