નવસારી : દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી શીત લહેરને કારણે લોકો શરીરમાં ગરમી આપતી વાનગી આરોગવાની શરૂઆત કરી છે. શિયાળામાં હોટ ફેવરિટ વાનગી ઊંબાડિયું આદિવાસીઓ જ નહીં શહેરીજનોમાં પણ હોટ ફેવરિટ છે. લીલું લસણ, આદુ, મરચાં, બટાકા, લીલી પાપડી, કંદને વિશેષ પદ્ધતિથી માટલામાં બાફીને બનાવવામાં આવતી આ વાનગીને દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી આરોગવામાં આવે છે. જેના વેચાણમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાત નવસારી જિલ્લામાં ઠંડીનું જોર વધતા લોકો પૌષ્ટિક આહાર અને ગરમી આપતા ઉબાડિયાના સ્ટોલો પર ઉમટી પડ્યાં છે. નવસારી ઉબાડિયા હાટમાં ઠંડી પડતા મંદ પડેલા ઉબાડિયાના ધંધામાં ગરમી આવી ગઇ છે.
મોટો ગૃહઉદ્યોગ : સામાન્ય રીતે શિયાળામાં શરીરમાં ગરમી આપતી વિવિધ વાનગીઓ વિશેષ પ્રમાણમાં આરોગાતી હોય છે. પણ દ.ગુજરાતમાં ઘણા વર્ષ પહેલેથી જ ઉંબાડીયુ આદિવાસીઓના ખેતરોમાં અને કયારીઓમાં હાંડવા અને માટલાઓમાં તૈયાર થતું હતું, જેમ જેમ સમય વીતતો ગયો એમ ઉંબાડીયાની બનાવટ પદ્ધતિ અને એને આરોગનાર વિશાળ વર્ગ વધતો ગયો છે. ખાસ કરીને નવસારી-વલસાડ જિલ્લામાં આજે એક મોટા ગૃહઉદ્યોગ તરીકે ઉપસીને બહાર આવ્યો છે. ગણદેવી સતીમાતા મંદિર સામે ઉંબાડીયા વેચાણની લાંબી હાટ પાડનારાઓની નજરમાં પડે છે. જેમાં સાજે ઠંડી વચ્ચે વરાળ નીકળતું ઉંબાડીયુ શરીરમાં ગરમી આપે છે.
આ પણ વાંચો દક્ષિણ ગુજરાતની ચટાકેદાર વાનગી એટલે ગરમા-ગરમ ઊંબાડિયું, જે શિયાળામાં છે આરોગ્યવર્ધક
કરોડોનો વેપાર : નવેમ્બરથી હોળી સુધી ચાલતો આ ઉદ્યોગ એક સિઝનમાં 23 કરોડથી પણ વધારેનો બિઝનેસ કરી રહ્યો હોવાનો અંદાજ છે. નવસારી શહેર ગણદેવી, ડુંગરી વિસ્તારમાં મુંબઈ અને વડોદરા ઉપરાંત બારડોલી અને મહારાષ્ટ્રમાંથી પણ ઉબાડીયાના શોખીનો આવીને પોતાની ફેવરિટ વાનગી ટેસ્ટથી આરોગે છે. ઉંબાડીયાની હાટની હરોળમાં આઠથી દસ અન્ય પરપ્રાંતીય હિન્દી ભાષી વૈપારીઓ પણ છેલ્લા દોઢ દાયકાથી આ ઉબાડીયાનો વેપાર ચલાવી રહ્યા છે. શિયાળામાં ઉંબાડીયા સાથે મઠ્ઠા અને ચટણી ખાવાની મજા જ કંઈક અલગ હોવાનું અમદાવાદથી આવેલા ભાર્ષિતા પંડ્યાએ જણાવ્યું હતું.