શિયાળાની ઠંડીમાં સ્વાદ રસિકોની જઠરાગ્નિ ઠારતું "ઉંબાડીયું" નવસારી :દેશ-વિદેશમાં ગુજરાતની વાનગી અને ખાણીપીણીની વિશેષ નોંધ લેવાતી હોય છે. ઉપરાંત સ્વાદના ચટાકા અને શોખના કારણે ગુજરાતીઓની વિશ્વભરમાં બોલબાલા છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં કોઈ ખાસ વાનગી પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા જ માર્કેટમાં ઉંબાડિયું આવી જાય છે. નવસારી, વલસાડ અને વાપી સહિતના વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર રસ્તાના કાંઠે ઉંબાડિયાના સ્ટોલ લાગી જાય છે. અનેક પૌષ્ટિક તત્વોથી ભરપૂર ઊંબાડિયું આરોગવા પાડોશી મહારાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી સ્વાદ રસિકો ખેંચાઈ આવે છે. ETV BHARAT ના વિશેષ અહેવાલમાં જુઓ કેવી રીતે બને છે ઉંબાડિયું અને જાણીઅજાણી વાત...
દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ઠંડીમાં ઉંબાડિયું આરોગવાનું ચલણ છે. હોટ ફેવરિટ "ઉંબાડીયું" :દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી શીત લહેર ફરી વળી છે. ત્યારે વલસાડ, વાપી અને નવસારીમાં લોકોએ શરીરમાં ગરમી આપતી વાનગી આરોગવાની શરૂઆત કરી છે. જેમાં ઊંબાડિયું હોટ ફેવરિટ છે. લીલું લસણ, આદુ-મરચા, બટાકા, લીલી પાપડી અને કંદને વિશેષ પદ્ધતિથી માટલામાં બાફીને બનાવવામાં આવતી આ વાનગીને દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી આરોગવામાં આવે છે. ત્યારે હાલ શિયાળાની મોસમમાં મસાલાથી ભરપૂર ગરમાગરમ ઉંબાડિયાનો સ્વાદ માણવા માટે લોકો પડાપડી કરતા હોય છે.
કડકડતી ઠંડીમાં પ્રસરતી મીઠી મહેક :સામાન્ય રીતે શિયાળામાં શરીરમાં ગરમી આપતી વિવિધ વાનગીઓ લોકો વિશેષ પ્રમાણમાં આરોગતા હોય છે. દક્ષિણ ગુજરાતમાં ઘણા વર્ષ પહેલાથી જ આદિવાસીઓના ખેતરોમાં અને ક્યારીઓમાં હાંડવા અને માટલામાં ઉંબાડીયું તૈયાર થતું હતું. જેમ-જેમ સમય વીતતો ગયો એમ ઉંબાડીયાની બનાવટ પદ્ધતિ અને એને આરોગનાર વિશાળ વર્ગ વધતો ગયો છે. ખાસ કરીને નવસારી-વલસાડ જિલ્લામાં આજે એક મોટા ગૃહ ઉદ્યોગ તરીકે ઉભરી આવ્યો છે. નવસારીના વેરાવળ ગામ નજીક ઉંબાડિયા વેચાણની લાંબી હાટ નજરમાં પડે છે. જેમાં સાંજે કડકડતી ઠંડી વચ્ચે વરાળ કાઢતું ઉંબાડીયું શરીરમાં ગરમી આપે છે. તેની મીઠી મહેક સ્વાદ રસિકોને સ્ટોલ સુધી ખેંચી લાવે છે.
સ્વાદપ્રેમીઓની પ્રથમ પસંદ : દેશી પદ્ધતિથી બનાવવામાં આવતી આ વાનગીનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. જેથી લોકો તેને વધુ પસંદ કરે છે. અહીં નવસારીમાં બનાવવામાં આવતું ઉંબાડિયું દેશી પદ્ધતિથી જમીન ઉપર જ બનાવવામાં આવે છે. તેમાં કોઈ પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવતો નથી. નવસારીના વિરાવળ પાસે આવેલ હરિઓમ ઉંબાડિયા સેન્ટર છેલ્લા 25 વર્ષથી સ્વાદપ્રેમીઓને ઉંબાડિયું પીરસી રહ્યું છે. દુકાનના માલિક સંજયભાઈ ઉંબાડિયાવાળાની દુકાનમાં ઉંબાડિયું ખાવા માટે લોકોની કતારો લાગે છે . હાલ ઉંબાડીયાનો ભાવ 240 રૂપિયા કિલો ચાલી રહ્યો છે.
ધીરજનું ફળ- ઉંબાડિયું :આ અંગે ઉંબાળિયાના દુકાનધારક સંજયભાઈએ જણાવ્યું કે, અમે અહીં છેલ્લા ઘણા વર્ષોથી દેશી પદ્ધતિથી જમીન પર જ ઉંબાડીયું બનાવીએ છીએ અને આ ગરમ કરવા માટે છાણાનો ઉપયોગ કરીએ છીએ. જેથી તેનો સ્વાદ અલગ જ આવે છે. રોજ 15 થી પણ વધુ ઉંબાડિયા મટકા ખાલી થઈ જાય છે. એક ઉંબાડિયાના મટકાને ગરમ કરતા અને તૈયાર થતાં અડધો કલાક જેવો સમય લાગે છે. અહીં હરિઓમ ઉંબાડિયા સેન્ટરમાં સાથે છાશ પણ આપવામાં આવે છે જે અહીંની સ્પેશિયલ છે અને ઉંબાડિયા સાથે ચટણી પીરસવામાં આવે છે.
ઊંબાડિયું બનાવવાની દેશી પદ્ધતિ : ઉંબાડિયાનો મીઠો સ્વાદ જેટલો જોરદાર છે, ઉંબાડિયાને બનાવવાની પદ્ધતિ પણ તેટલી જ મજેદાર છે. સૌપ્રથમ એક નાના મોઢાના માટલાની અંદર કલહાર નામની વનસ્પતિ પાથરી દેવામાં આવે છે અને એ માટલાની અંદર પાપડીનું લેયર બનાવવામાં આવે છે. બાદમાં શક્કરીયા વેંચરી બનાવી કંદ અને મૂડી મસાલો ભરવામાં આવે છે. આ રીતે સંપૂર્ણ માટલું ભરાઈ ગયા બાદ એક કોડિયાથી તેને ઢાંકીને બાફવામાં આવે છે. બફાઈને તૈયાર થયેલું ઉંબાડીયું પિરસતા પહેલા થોડું ઠંડુ કરવામાં આવે છે અને બાદમાં ચટણી અને મઠ સાથે પીરસવામાં આવે છે.
સુરતના સચિન વિસ્તારમાં રહેતા આયુર્વેદિક ડોક્ટર પીનલ રાણા નવસારી ખાતે અઠવાડિયામાં એકવાર પોતાના પરિવાર સાથે અચૂક ઉંબાડિયાનો સ્વાદ માણવા આવે છે. તેઓ જણાવે છે કે લીલા શાકભાજીમાંથી તૈયાર થતું ઉબાડિયું સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓથી ભરપૂર હોય છે. જેમાં તેમણે ઉબાડિયામાં વપરાતા લીલા શાકભાજી કેટલા ફાયદાકારક છે તેની વિસ્તૃત માહિતી પણ આપી હતી.
ઉપાડિયાના સ્વાસ્થ્યવર્ધક ફાયદા :
- કલહાર વનસ્પતિ :આયુર્વેદ પ્રમાણે ગેંગરીન થયું હોય તો કે ડાયાબિટીક બુંડ કે કેન્સરનો ઘા હોય તેના પર કલ્હારના રસથી ડ્રેસિંગ કરવામાં આવે તો તરત જ ઘા પર રૂઝ આવે છે.
- રતાળુ :રતાળુ મહિલાઓને ગર્ભાશય સંબંધિત તમામ સમસ્યાઓમાં ઉપયોગી સાબિત થાય છે, સાથે વજન ઉતારવા માટે પણ ખૂબ ઉપયોગી છે.
- શક્કરિયા : શક્કરિયામાં ભરપૂર વિટામિન અને મિનરલના સોર્સ રહેલા છે. શરીરની આંતરિક ગરમી અને એસિડિટીને પણ ઓછી કરે છે
- પાપડી :પાપડી પોટેશિયમ મેગ્નેશિયમ જેવા વિટામિન અને તત્વોથી ભરપૂર છે.
- બટાકા : જ્યારે બટાકાને હળદર, અજમો અને મીઠાનું સ્ટફિંગ કરીને કલહાર વનસ્પતિ સાથે બાફવામાં આવે ત્યારે બટાકાના ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદા થાય છે.
ઉંબાડિયાના વેપારીઓની માંગ : નવેમ્બરથી હોળી સુધી ચાલતો આ ઉદ્યોગ એક સિઝનમાં લાખો રૂપિયાથી વધુની આવક કરી આપતો હોવાનો અંદાજ છે. નવસારી શહેરના ગણદેવી, ડુંગરી વિસ્તારમાં મુંબઈ અને વડોદરા ઉપરાંત બારડોલી અને મહારાષ્ટ્રમાંથી પણ ઉંબાડીયાના શોખીનો આવીને પોતાની ફેવરિટ વાનગીની લિજ્જત લે છે. ઉંબાડીયાની હાટની હરોળમાં આઠથી દસ અન્ય પરપ્રાંતીય હિન્દી ભાષી વેપારીઓ પણ છેલ્લા દોઢ દાયકાથી આ ઉંબાડીયાનો વેપાર ચલાવી રહ્યા છે. શિયાળામાં ઉંબાડિયા સાથે મઠ્ઠો અને ચટણી ખાવાની મજા જ કંઈક અલગ હોવાનું સુરતના સચિન વિસ્તારના આયુર્વેદિક ડોક્ટર પીનલ રાણા જણાવે છે.
શું તમે માણ્યો ઉંબાડિયાનો સ્વાદ ? ગુજરાતની વાનગીઓનો સ્વાદ કંઈક અલગ જ હોય છે, તેમાં પણ અલગ અલગ ઋતુ પ્રમાણે બનતી વાનગીમાં ખાસ કરીને કરચીયા, ઊંધિયું, ઉંબાડીયું વગેરે બનતા હોય છે. અમદાવાદ, વડોદરા અને સુરતના ઉંબાડિયા લવર લસણ વગરનું અથવા પોતાની જરૂરિયાત મુજબ તીખું કે પાપડી વગરનું કસ્ટમાઈઝ ઉંબાડિયું પણ બનાવડાવે છે. આ સ્વાદ રસિકો વેપારીઓને મોમાંગા દામ આપવા પણ હંમેશા તૈયાર રહે છે. શિયાળાની ઋતુમાં હરવા-ફરવા આવતા વિદેશી યાત્રીઓ પણ અહીંયા ઉંબાડીયાનો સ્વાદ અચૂક ચાખે છે.
- Food Recipe : પૌરાણિક પંડોલી વાનગી બનાવતા શીખો, વરસાદી માહોલમાં લસણની ચટણી સાથે અફલાતુન સ્વાદ
- ડાયમંડ બુર્સ કાર્યક્રમમાં PM મોદીએ યાદ કર્યો સુરતી લોચો, સુરતીઓ થયાં ગદગદ, એમાં શું છે ખાસ જૂઓ