નવસારી: કોરોના વાયરસ સામેની લડાઈમાં અર્થ તંત્રને પાટે ચડાવવા માટે રાજ્ય સરકારે ચોથા ચરણમાં છૂટછાટો આપી, પણ દુકાનો ખોલવા ઓડ-ઇવન સીસ્ટમ દાખલ કરતા નવસારી વેપારી મંડળમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં આજે મોદી સાંજે નવસારી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખની આગેવાનીમાં શહેરના વેપારીઓએ પાલિકાએ મોર્ચો માંડ્યો હતો અને પાલિકા પ્રમુખ સામે ઓડ-ઇવન અનુસાર દુકાનો ખોલવાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. જોકે પાલિકા સીઓ મળી ન શકતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જયારે આ મુદ્દે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે.
કોરોનાની મહામારીથી રક્ષણ માટે ભારત સરકાર દ્વારા જાહેર લોકડાઉનને ચોથા ચરણમાં પણ આગળ વધારાયુ છે. જેમાં કેન્દ્રની ગાઈડ લાઈન અનુસાર ગુજરાત સરકારે રાજયની સ્થિતિ અનુસાર લોક ડાઉનના નિયમો સાથે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં બજારોમાં સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પણ એમાં પણ ઓડ ઇવન નંબર અનુસાર દુકાનો ખોલવાનો નિયમ વેપારીઓને અકળાવી રહ્યો છે.
અંદાજે પોણા બે મહિના સુધી દુકાનો બંધ રહ્યા બાદ જયારે ખોલવાની મંજૂરી મળી, ત્યારે ઓડ ઇવનને કારણે એક દિવસ બંધ અને એક દિવસ ખુલ્લી રાખવા પડે જેને લઈને વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.