નવસારી: કોરોના સામેની જંગમાં સરકાર દ્વારા પાન, માવા, ગુટખાના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, પરંતુ ચોરી છુપે એનું નવસારીમાં ઉંચા ભાવે ધૂમ વેચાણ ચાલી રહ્યુ છે. જેમાં આજે સોમવારે નવસારી ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના દસ્તુરવાડના એક એપાર્ટમેન્ટમાંથી 60 હજાર રૂપિયાના પ્રતિબંધિત ગુટખા સાથે તેનું વેચાણ કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
કોરોના મહામારીથી નાગરિકોને બચાવવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમાં પણ સોશ્યલ ડીસ્ટનસિંગ, મોઢે માસ્ક, હાથ ધોવા, જાહેરમાં થૂકવું નહિ, જેવા નિયમોને અનિવાર્ય બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને પાન, માવા, ગુટખાના ખાવા અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેને કારણે લોકો જાહેરમાં થુકી ન શકે, પરંતુ સરકારના જાહેરનામાં બાદ પણ નવસારી શહેર અને જિલ્લામાં ચોરી છુપે તમાકુયુક્ત માવા અને ગુટખાનું વેચાણ થાય છે અને લોકો 7 થી 8 ગણા ઉંચા ભાવો લોકો લઇ રહ્યાં છે.