- ચીખલી પોલીસના PSI સહિત ત્રણ પોલીસ કર્મીઓની સામે આવી બેદરકારી
- ચીખલીના આદિવાસી સંગઠને પોલીસ કર્મીઓ સામે પગલા લેવાની કરી હતી માગ
- જિલ્લા પોલીસ અધિક્ષકે તપાસ રિપોર્ટ બાદ તાત્કાલિક અસરથી કર્યા સસ્પેન્ડ
નવસારી: નવસારીના ચીખલી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં શંકાના આધારે લાવવામાં આવેલા ડાંગના વઘઇના બે યુવાનોએ ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લેવાના પ્રકરણમાં આજે જિલ્લા પોલીસ અધિક્ષકે ચીખલી પોલીસના PSI સહિત ત્રણ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. ઉલ્લેખનિય છે કે આદિવાસી સંગઠને ચીખલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.
મંગળવારે રાતે બંને શકમંદોને કોમ્પ્યુટર રૂમમાં રાખ્યા હતા
ચીખલી પોલીસે ચોરીના ગુનામાં શંકાના આધારે ડાંગ જિલ્લાના વઘાઈ ખાતે રહેતા રવિ જાધવ (19)ની સોમવારે અટક કરી હતી. જેની પૂછપરછમાં અનાથ એવા વઘઇ તાલુકાના ઢોલીપાડાના સુનિલ પવાર (19) ની મંગળવારે અટક કરી હતી. બંનેને પોલીસ મથકે લાવ્યા બાદ પોલીસ તેમની પૂછપરછ કરી રહી હતી. પરંતુ મંગળવારે રાતે બંને શકમંદોને કોમ્પ્યુટર રૂમમાં રાખ્યા હતા. જેમાં બંને આરોપીઓએ બુધવારે વહેલી સવારે 5 વાગ્યાથી 8 વાગ્યાના સુમારે કોમ્પ્યુટરનો વાયર ગળે બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો:દુર્લભ પટેલ આત્મહત્યા કેસઃ પી.આઈ. બોડાણા સહિત ચારની ધરપકડ
મૃતકોનું સુરત ખાતે ફોરેન્સિન્ક pm કરાવ્યું
ઘટનાની જાણ થતા જ નવસારી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ચીખલી પ્રાંત અધિકારી તેમજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમણે વિડીયોગ્રાફી સાથે FSL ની મદદથી પંચનામું-ઇન્કવેસ્ટ ભર્યા બાદ બંને મૃતકોનું સુરત ખાતે ફોરેન્સિન્ક pm કરાવ્યું હતું. જેમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસ. જી. રાણાને સોંપી હતી. સાથે જ સમગ્ર મુદ્દે ચીખલી પોલીસની બેદરકારી હતી કે નહીં એની તપાસ એસટી એસસી સેલના નાયબ પોલીસ અધિક્ષક આર. ડી. ફળદુને સોંપી હતી. જ્યારે પોલીસ મથકમાં બે શકમંદ આરોપીઓએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી એ મુદ્દે ચીખલીના સિ. સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તપાસ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:Suicide in Surendranagar: જોરાવરનગરમાં ખાનગી ટ્યૂશન ક્લાસના સંચાલક અને વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી
આદિવાસી સંગઠનની રજૂઆત પર ત્રણ દિવસમાં કાર્યવાહીનું મળ્યુ હતુ આશ્વાસન
સમગ્ર પ્રકરણમાં આદિવાસી આગેવાનો અને ચીખલીના ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા આદિવાસી યુવાનોના મોત પોલીસ કર્મીઓની બેદરકારીને કારણે થયા હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ અધિક્ષકે તેમને ત્રણ દિવસમાં તપાસને અંતે યોગ્ય નિર્ણયનું આશ્વાસન આપ્યું હતું. જેમાં પોલીસની બેદરકારી મુદ્દે થયેલી તપાસમાં ચીખલીના PSI એમ. બી. કોકણી, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રામજી યાદવની બેદરકારી હોવાનો તપાસ રિપોર્ટ મળતા જ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.