- ટ્રેનમાં પ્રવાસીઓને આકર્ષવા લગાવાયો AC કોચ
- કોરોનાકાળમાં બંધ પડેલી નેરોગેજ ટ્રેન શરૂ થતા આદિવાસીઓમાં ખુશી
- ટ્રેન શરૂ થઈ પણ ભાડામાં 100 ટકાથી વધુનો વધારો
- આદિવાસીઓ માટે નેરોગેજ જીવાદોરી સમાન
નવસારી: ગાયકવાડી રાજમાં સાગી લાકડા મેળવવા માટે નાંખવામાં આવેલી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન કોરોનાકાળમાં બંધ થઈ હતી. જે ફરી શરૂ ન થતા વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસીઓએ ફરી પાટે દોડતી કરવા આંદોલન છેડી, ધરણા પ્રદર્શન સાથે જ સંબંધિતોને રજૂઆતો પણ કરી હતી. બીજી તરફ ડાંગના આદિવાસીઓ અને વેપારીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થયેલી નેરોગેજ ટ્રેન શરૂ કરવા ભાજપી આગેવાનોએ પણ સરકારમાં રજૂઆતો કરી હતી. જેને ધ્યાને લઇ પશ્ચિમ રેલવે દ્વારા ગત ઉનાળામાં સર્વે કરી, ટ્રેન શરૂ કરવાના એંધાણ આપ્યા હતા. જે બાદ સુરતના સાંસદ અને નવનિયુક્ત રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશે નેરોગેજ ટ્રેન શરૂ કરવા માટેની જાહેરાત કરતા જ આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. સાથે જ ટ્રેનમાં AC કોચ જોડવામાં આવનાર હોવાની વાતે સાપુતારા ફરવા જતા સાહેલાણીઓએ ઓનલાઈન બુકીંગ પણ કરાવી લીધુ હતું. બીલીમોરા રેલવે સ્ટેશનેથી શનિવારે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી નેરોગેજ ટ્રેનને પાટે દોડતી કરાવી હતી. ટ્રેન શરૂ થતા આદિવાસીઓ માટે ઉપયોગી થવા સાથે જ ટ્રેનમાં જોડાયેલા AC કોચ પ્રવાસીઓને પણ આકર્ષવામાં સફળ રહે એવી આશા ડાંગી આગેવાનો સેવી રહ્યા છે.
ઉનાઈમાં કોંગી ધારાસભ્યને સ્વાગત કરતા અટકાવતા, ટ્રેનને 20 મિનિટથી વધુ સમય અટકાવી