ગુજરાત

gujarat

ETV Bharat / state

વેન્ટિલેટરમાં ખામી સર્જાતા કોરોનાના દર્દીનું મોત થયાનો પરીવારનો આક્ષેપ

નવસારી શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 61 વર્ષીય દર્દીનું વેન્ટિલેટર બંધ પડી જતાં મોત થયું હોવાના આક્ષેપો સાથે પરિવારજનોએ ગત સોમવારે મોડી રાતે હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ સ્વિકારવાની ના પાડી દીધી હતી. પરિવારજનોના આક્રોશને કારણે હોસ્પિટલ તંત્રએ ટાઉન પોલીસને બોલાવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતક દર્દીના પરિવારજનોને સમજાવીને મામલો થાળે પાડયો હતો. જ્યારે 22 દિવસથી વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા દર્દીને ટેકનિકલ ખામી સર્જાતા તાત્કાલિક વેન્ટિલેટર બદલી બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો રાગ સિવિલ તંત્રએ પોતાના બચાવમાં ગાયો હતો.

વેન્ટિલેટરમાં ખામી સર્જાતા કોરોનાના દર્દીનું મોત થયાનો પરીવારનો આક્ષેપ
વેન્ટિલેટરમાં ખામી સર્જાતા કોરોનાના દર્દીનું મોત થયાનો પરીવારનો આક્ષેપ

By

Published : May 26, 2021, 10:49 PM IST

  • વેન્ટિલેટર બંધ પડવાને કારણે દર્દીનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપો
  • દર્દીનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો
  • ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી દર્દીના પરીજનોને સમજાવ્યા

નવસારીઃસુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે રહેતા 61 વર્ષીય રમેશભાઇ પરમાર અને તેમનો પરિવાર ગત એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમિત થયો હતો. જેમાં રમેશભાઇને પ્રથમ સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની દેખરેખ રાખવા માટે કોઈ ન હોવાથી તેમના પરિવારજનો તેમને મેની શરૂઆતમાં નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. અહીં 22 દિવસથી રમેશભાઇ વેન્ટિલેટર ઉપર સારવાર લઇ રહ્યા હતા. જેમાં ગત મોડી રાતે વેન્ટિલેટરમાં ખરાબી આવતા તેમની તબિયત બગડી હતી.

ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી દર્દીના પરીજનોને સમજાવ્યા

આ પણ વાંચોઃ વડોદરા રેલવે હોસ્પિટલમાં મહિલાના ડિસ્ચાર્જ માટે પરિવારને બોલાવી મૃતદેહ સોંપાતા હોબાળો

પરિવારજનોનો હોબાળો

સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફના પ્રયાસો બાદ પણ રમેશભાઇનું અવસાન થયું હતું. જોકે સિવિલ તંત્રને વારંવાર વેન્ટિલેટર બદલવાનું કહેવા છતાં કોઇ કાર્યવાહી કરી ન હોવાના અને વેન્ટિલેટર બંધ થવાને કારણે જ રમેશભાઇનું મોત થવાના આક્ષેપો સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને મૃતક રમેશભાઇનો મૃતદેહ સ્વિકારવાની પણ ના પાડી દીધી હતી. સમગ્ર મુદ્દે વાતાવરણ ઉગ્ર બનતા સિવિલ તંત્ર દ્વારા ટાઉન પોલીસને બોલાવી લેવાઇ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતક દર્દીના પરિવારજનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

વેન્ટિલેટર બંધ પડવાને કારણે દર્દીનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપો

સિવિલમાં વેન્ટિલેટરની જાળવણી માટે અલાયદી ટીમ

નવસારી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં ખામી સર્જાવાને કારણે 61 વર્ષીય વૃદ્ધમાં મોત પર થયેલા હોબાળા બાદ હોસ્પિટલ તંત્ર વૃદ્ધને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પક્ષ મૂકયો હતો. સિવિલ હોસ્પિટલમાં 50 વેન્ટિલેટર કાર્યરત છે, હાલમાં વેન્ટિલેટરની વધુ જરૂરીયાતવાળા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાંથી પણ સિવિલમાં સારવાર હેઠળ આવે છે. રમેશભાઇ પણ 22 દિવસથી વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા હતા. ગત સોમવારે રાતે વેન્ટિલેટરમાં ખામી સર્જાતા તાત્કાલિક એનેસ્થેટિક ફિઝિશિયન સહિતના ડોક્ટરો અને સ્ટાફ તેમને બચાવવાના પ્રયાસમાં હતા. જ્યારે ખામીયુક્ત વેન્ટિલેટર હટાવી તાત્કાલિક અન્ય વેન્ટિલેટર પણ જોડયું હતું પરંતુ તે દરમિયાન રમેશભાઇ જિંદગીની જંગ હારી ગયા હતા.

વેન્ટિલેટરમાં ખામી સર્જાતા કોરોનાના દર્દીનું મોત થયાનો પરીવારનો આક્ષેપ

કોરોનાએ પરમાર પરિવારનો માળો પીંખી નાખ્યો

સુરતના કડોદ ગામે રહેતા રમેશભાઇ પરમાર LICમાં ડેવલપમેન્ટ ઓફિસરમાંથી નિવૃત્ત થયા હતા. એપ્રિલ મહિનામાં રમેશભાઇ તેમના પત્ની ચંપાબેન અને પુત્ર ચેતન પરમાર કોરોના સંક્રમિત થયા હતા. જેમાં ચંપાબેન અને પુત્ર ચેતનને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન 26 એપ્રિલે ચંપાબેનને કોરોના ભરખી ગયો હતો. જેના થોડા દિવસોમાં જ ગત 1, મેના રોજ 37 વર્ષીય ચેતન પરમારનું પણ કોરોનાથી મોત થયું હતું. જેથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રમેશભાઇને તેમના પરિવારજનો તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા હતા. અહીં રમેશભાઇ 22 દિવસ સુધી વેન્ટીલેટર પર હતા.પરંતુ ગત સોમવારે રાતે વેન્ટિલેટરમાં ખામી સર્જાતા અને બીજુ વેન્ટિલેટર આપવા વચ્ચેના સમયમાં જ રમેશભાઇએ પણ શ્વાસ છોડી દીધા હતા. જેથી એક મહિનામાં જ પરમાર પરિવારનો માળો કોરોનાએ પીંખી નાખ્યો હતો.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમિત દર્દીનું મોત થયા બાદ મૃતદેહ ન અપાતા હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો

ABOUT THE AUTHOR

...view details