- અહિંસાના માર્ગે સત્યાગ્રહ દ્વારા ભારતને મળી આઝાદી
- 80 પદયાત્રીઓ સાથે મહાત્મા પહોંચ્યા હતા દાંડી
- ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજી સલ્તનતના પાયામાં લૂણો લગાવ્યો હતો
નવસારી: સત્યાગ્રહ અને અહિંસાના માર્ગે પણ વર્ષો જુના સામ્રાજ્યને હચમચાવીને આઝાદી મેળવી શકાય છે, એ મહાત્મા ગાંધીજીની 1930ની દાંડીયાત્રાએ પુરવાર કરી બતાવ્યું હતું. 80 પદયાત્રિકો સાથે સાબરમતી આશ્રમથી 241 માઈલની મજલ કાપીને નવસારીના દાંડીના દરિયા કિનારે પહોંચેલા બાપુએ ચપટી મીઠું ઉપાડીને 200 વર્ષ જૂના સામ્રાજ્યનાં પાયા હચમચાવી નાંખ્યા હતા. અહીંથી ભારતની આઝાદી માટેનો સત્યાગ્રહ શરૂ થયો અને 17 વર્ષ બાદ ભારતે સ્વરાજનો સૂર્ય જોયો હતો.
આ પણ વાંચો:આજે દાંડીયાત્રા દિવસઃ બાપુએ મીઠાના કાનૂન સામે અંગ્રેજને પડકાર ફેક્યો હતો
કાગડા કૂતરાનાં મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરૂ
વર્ષ 1930માં અંગ્રેજોએ મીઠાં પર લાદેલા આકરા કરવેરા સામે મહાત્મા ગાંધીજીએ અડગ મન સાથે અવાજ ઉઠાવ્યો હતો અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં પ્રતિજ્ઞા લીધી હતી કે, કાગડા કૂતરાનાં મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરૂ. બાપુએ 12 માર્ચ 1930ની સવારે 80 પદયાત્રીઓ સાથે દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. મહાત્મા એક પછી એક ગામડાઓમાં સભાઓ અને લોકોને સ્વરાજ માટે જાગૃત કરતા આગળ વધતા રહ્યાં અને બાપુ સાથે હજારો લોકો દાંડીકૂચમાં જોડાતા ગયા હતા.