- વાંસદા તાલુકાની મોટાભાગની શાળાઓના વિદ્યાર્થીઓને હજી નથી મળ્યાં પાઠ્યપુસ્તકો
- પાઠ્યપુસ્તકો વિના ધોરણ 3 થી 8ની એકમ કસોટી શરૂ થતાં ઉઠ્યાં સવાલો
- પાઠ્યપુસ્તકો વિના કેવી રીતે ભણશે ગુજરાત - અનંત પટેલ
નવસારી : જિલ્લાની અંદાજે 700થી વધુ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. શાળાની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળી જતા હોય છે અને તેમનો અભ્યાસ આરંભાય છે. પરંતુ કોરોના કાળમાં નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શાળા શરૂ થયાના બે મહિના સુધી સરકાર પાઠ્યપુસ્તકો આપી શકી નથી.
પાઠ્યપુસ્તકો નહીં મળતાં ઘરે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર
જિલ્લાની ઘણી શાળાઓમાં હજી પણ પાઠ્યપુસ્તકો ન પહોંચતા ઘરે રહીને અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઇ રહી છે. ખાસ કરીને આદિવાસી પટ્ટાના ગામડાઓની શાળાઓના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી. દરમિયાન સરકાર દ્વારા ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની એકમ કસોટી પરીક્ષા શરૂ કરવામાં આવી છે. જેથી પાઠ્યપુસ્તકો વિના એકમ કસોટી લેવા સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે, જ્યારે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે પુસ્તકો વિના કેવી રીતે ભણશે ગુજરાતનો પ્રશ્ન ઉઠાવ્યો છે.
ઘરે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર
મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે પણ અભ્યાસ પર અસર
નવસારીના આદિવાસી તાલુકાઓના અંતરિયાળ ગામડાઓમાં નેટવર્કની પણ સમસ્યા હોય છે. ત્યારે પાઠ્યપુસ્તકો ન પહોંચતા, જે તે વિષયના પુસ્તકની PDF કોપી મોકલવામાં આવી હતી. પરંતુ ઘણા આદિવાસી વાલીઓ પાસે સ્માર્ટ ફોન હોતા નથી અને હોય છે તો નેટવર્કના અભાવે PDF ડાઉનલોડ કરવામાં મુશ્કેલી સાથે જ મોબાઈલમાં PDF દ્વારા અભ્યાસ કરવો બાળકો માટે મુશ્કેલ હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
જિલ્લાની તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડ્યાં છે - શિક્ષણાધિકારી
પ્રાથમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો વિના શરૂ થયેલી એકમ કસોટી સામે જ્યાં સવાલો ઉભા થયાં છે, ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જિલ્લાની કોઈપણ શાળામાં પાઠ્યપુસ્તકો પહોંચ્યા નહીં હોવાની વાતને નકારી કાઢી હતી. તમામ શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓને શેરી અને ફળિયા શિક્ષણ દ્વારા શિક્ષકો ભણાવી રહ્યા છે. જેમાં આદિવાસી તાલુકાઓમાં અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં શિક્ષકો પોતાના મોબાઇલ વડે તેમજ જરૂર પડ્યે અભ્યાસ માટે પ્રિન્ટ કાઢીને મટીરીયલ્સ આપવામાં આવે છે. જેથી બાળકના અભ્યાસ પર કોઈ અસર પડી નથી. સાથે જ ક્યાંક વિદ્યાર્થીઓની વધઘટને કારણે સમસ્યા ઉભી થઇ હોય, તો પણ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એવા પ્રયાસો કરાયા છે. રાજ્યના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ અને જિલ્લા કક્ષાના નિરીક્ષણથી ઓનલાઈન અભ્યાસમાં નવસારી રાજ્યમાં 90 ટકા રેટ સાથે પ્રથમ ક્રમે છે.
આ પણ વાંચોઃ નવસારીમાં વરસાદ ખેંચાતા વાંસદાના ખેડૂતો ચિંતામાં, તાલુકાના બે ડેમ પણ અધુરા
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તા, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ ચિંતિત