- બિલ્ડરે ઘરના રૂપિયા લીધા બાદ કબ્જો ન આપતા શિક્ષકે ગ્રાહક સુરક્ષામાં કરી ફરિયાદ
- શિક્ષકના પક્ષમાં આવ્યો ચુકાદો
- ગ્રાહક સુરક્ષા આયોગમાં આવતી ફરિયાદોમાંથી 75 ટકાનો ચુકાદો ગ્રાહકના પક્ષમાં
નવસારીઃ જિલ્લાના ઈટાળવા ગામે વિશાલનગરમાં રહેતા અરવિંદ પટેલ શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ વર્ષ 2005 માં નવસારી શહેરની નજીકના છાપરા ગામે અક્ષર ટાઉનશીપમાં તેમને ઘર પસંદ આવતા બિલ્ડર સાથે રૂપિયા 2.95 લાખમાં ઘરનો સોદો નક્કી કર્યો હતો. જેમાં 2.45 લાખ રૂપિયા ડ્રાફ્ટથી ચૂકવ્યાં હતા અને 50 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. જોકે, સોદો થયા બાદ બિલ્ડરે અરવિંદભાઈને ઘરનો કબ્જો આપ્યો ન હતો. અરવિંદ પટેલે વારંવાર બિલ્ડરને આજીજી કરી હતી, પરંતુ તેમછતા પણ ઘર ન મળતા, અંતે તેમણે નવસારી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગનો સહારો લીધો હતો.
બિલ્ડરને 9 ટકાના સાદા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો
અરવિંદ પટેલે વકીલ કનુ સુખડીયા મારફતે કાયદાકિય કાર્યવાહી કરવા સાથે પુરાવા રજૂ કરતા વર્ષો બાદ ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો, પરંતુ તેની સામે બિલ્ડરે અમદાવાદ ઉપલી કોર્ટમાં અપીલ કરતા અરવિંદભાઈએ અમદાવાદ સુધી ધક્કા ખાવા પડ્યા હતા. જ્યાં પણ સત્યનો વિજય થયો અને શિક્ષક અરવિંદભાઈના પક્ષમાં ચુકાદો આવ્યો હતો, જેથી બિલ્ડરને 9 ટકાના સાદા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. અરવિંદભાઈએ ગ્રાહક સુરક્ષા આયોગની કાર્યવાહી સામે સંતોષ વ્યકત કરી તેમજ તેમણે સામાન્ય માણસ માટે આશીર્વાદરૂપ ગણાવ્યો છે.