નવસારી : સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે, ત્યારે માસ્ક તેમજ સેનેટાઇઝર લોકોને કોરોના સામેની જંગમાં હથિયારની જેમ ઉપયોગી સાબીત થઇ રહ્યુ છે, પરંતુ મેડિકલ માસ્કની વધેલી માગને કારણે માસ્કની અછત સર્જાઈ છે. બીજી તરફ નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારના ગામોની ગરીબ પ્રજા મોંઘા માસ્ક ખરીદી શકે તેવી ક્ષમતા પણ નથી હોતી. જેથી ગામડાના લોકો સુધી માસ્ક પહોંચી શકે તેવા ઉમદા હેતુથી નવસારીના ખેરગામ તાલુકાના પ્રમુખ સંગીતાબેન નાયકે પોતાની ટીમ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ ખેરગામના જરૂરિયાતમંદો સુધી માસ્ક પહોંચાડવા સ્વભંડોળમાંથી ૫૦ હજાર રૂપિયાની ફાળવણી કરી ૫ હજારથી વધુ કાપડના માસ્ક બનાવવાનું બીડું ઝડપ્યું છે.
નવસારીના ખેરગામમાં સ્વભંડોળના ૫૦ હજાર ખર્ચી ૫ હજારથી વધુ માસ્ક બનાવાયા - નવસારી કોરોના ન્યૂઝ
કોરોનાના વાઈરસથી બચવાના ઉપાય રૂપે ભારતમાં 21 દિવસનું લૉકડાઉન છે. જયારે ઘર બહાર નીકળતા લોકો તથા આવશ્યક સેવા આપનારાઓની સુરક્ષા માટે મોઢા પર માસ્ક તેમજ સેનેટાઇઝર કારગર સાબિત થાય છે, ત્યારે માસ્કની અછત વચ્ચે નવસારીની ખેરગામ તાલુકા પંચાયતે સ્વભંડોળમાંથી ૫ હજાર માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે, જેને તાલુકાના જરૂરિયાતમંદો સુધી પહોંચાડાશે.
![નવસારીના ખેરગામમાં સ્વભંડોળના ૫૦ હજાર ખર્ચી ૫ હજારથી વધુ માસ્ક બનાવાયા taluka panchayat made 5 thousand cloth mask](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6714229-867-6714229-1586352043173.jpg)
પંચાયાત દ્વારા માસ્ક બનાવવાના અભિયાનમાં ખેરગામ-ચીખલી રોડ નજીક રહેતા દીપક નાયક, પુરવ પટેલ તથા ખેરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિભાબેન દેસાઇએ માસ્ક બનાવવાની જવાબદારી સ્વીકારી છે. એકલા વિભાબેને તેમની દીકરીઓના સહયોગથી ૨૫૦૦ માસ્ક બનાવવાની કામગીરી ઉપાડી છે અને અત્યાર સુધીમાં ૧૫૦૦ માક્સ તૈયાર પણ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, ખેરગામ તાલુકા પંચાયત દ્વારા તૈયાર કરાવાઈ રહેલા ૫ હજાર કાપડના માસ્ક તાલુકાના જરૂરિયાતમંદ ગરીબોને વિતરિત કરવામાં આવશે. જયારે પંચાયતનાં નિર્ણયને તાલુકાના આગેવાનોએ બિરદાવ્યો છે અને વિકટ સ્થિતિમાં આજ પ્રકારે લોકહિતના નિર્ણય લે એવી આશા પણ વ્યક્ત કરી છે.