- પાલિકાના કોંગી નગરસેવિકાએ જિલ્લા પોલીસ વડાને કરી લેખિત ફરિયાદ
- ભાજપી નગરસેવકે દારૂના નશામાં અપશબ્દો કહ્યા હોવાના આક્ષેપો
- અગાઉ પણ કોંગી નગરસેવિકાને ખુરશી ન આપતા વિવાદ થયો હતો
નવસારી: વિજલપોર નગરપાલિકામાં ભાજપના ફાળે 51 અને કોંગ્રેસને ફક્ત એક બેઠક મળી હતી. જેમાં ગત પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નં. 4 ના કોંગ્રેસના નગરસેવિકા તેજલ રાઠોડે તેમના વિસ્તારમાં કામો થયા ન હોવાના પ્રશ્ન ઉઠાવ્યા હતા. જેમાં ભાજપી નગરસેવક શુભમ મુન્ડિયાએ તેમની સાથે રકઝક કરી, આવેશમાં આવી ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપો લાગ્યા હતા. બાદમાં રવિવારે કોંગી નગરસેવિકા તેજલ રાઠોડે પોતાના સમર્થકો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, તેઓ વોર્ડ નં. 4 માં અનુસૂચિત જનજાતિની બેઠક પરથી ચુંટાયા હતા. પાલિકામાં જ્યારે પણ સામાન્ય સભા હોય ત્યારે વોર્ડ નં. 8 ના ભાજપી નગરસેવક શુભમ મુન્ડિયા અમારી સાથે જાહેરમાં અસભ્ય વર્તન અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી હેરાન કરતા રહે છે.
બીભત્સ શબ્દો બોલી જાતિવિષયક અપમાન કર્યુ
31 જુલાઈના રોજ સામાન્ય સભામાં ભાજપી નગરસેવક શુભમે ખુરશી ખસેડી લઈ, દારૂના નશામાં બીભત્સ શબ્દો બોલી જાતિવિષયક અપમાન કર્યુ હતું. સભામાં પાલિકા પ્રમુખ જીગીશ શાહ અને ચીફ ઓફિસર આ વર્ણનના સાક્ષી છે. તેમ છતાં ભાજપી નગરસેવક શુભમ મુન્ડિયાએ મારી સાથે અશોભનિય વર્તન કરી મને અપમાનિત કરી હોવાના આક્ષેપો લગાવ્યા છે. આરોપી શુભમ મુન્ડિયા સામે એટ્રોસિટી એક્ટ અને લોક પ્રતિનિધિ ધારા હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
મહિલા કોંગ્રેસ સમિતિ પાલિકાનો ઘેરાવો કરશે