ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના ચોરાયેલા સિક્કા મધ્યપ્રદેશથી જપ્ત, 199 સોનાના ઐતિહાસિક સિક્કાની કિંમત 92.25 લાખ - બ્રિટિશકાળના સિક્કા

નવસારીના બીલીમોરા શહેરના બજાર સ્ટ્રીટમાં આવેલા વર્ષો જૂના જર્જરિત મકાનનો કાટમાળ ઉતારતાં શ્રમિકોને મકાનના મોભમાંથી મળેલા 100 વર્ષ જૂના બ્રિટિશકાળના સોનાના સિક્કા મળી આવ્યા હતા. આ મામલાની બે મહિનાની તપાસ દરમિયાન નવસારી પોલીસે 92.25 લાખના 199 સોનાના ઐતિહાસિક સિક્કા કબ્જે કરી વલસાડના કોન્ટ્રાકટર સહિત મધ્યપ્રદેશના 4 શ્રમિકોની ધરપકડ કરી છે.

નવસારીના ચોરાયેલા સિક્કા મધ્યપ્રદેશથી જપ્ત
નવસારીના ચોરાયેલા સિક્કા મધ્યપ્રદેશથી જપ્ત

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 6:09 PM IST

Updated : Jan 1, 2024, 7:38 PM IST

નવસારીના ચોરાયેલા સિક્કા મધ્યપ્રદેશથી જપ્ત

નવસારી: રાજા મહારાજાઓના સમયે લેવડ-દેવડ માટે સોના અને ચાંદીના સિક્કાઓ બહાર પાડવામાં આવતાં હતા. આ સમયે સિક્કાઓ સાચવવા માટે બેંક કે લોકર જેવી વ્યવસ્થાઓ અસ્તિત્વમાં ન હતી. જેથી લોકો ઘરમાં ખાડો કરીને આ સિક્કાઓ દાટી દેતા અથવા છત પર કે ઘરની દીવાલોમાં પુરાણ કરીને આ સિક્કાઓ છુપાવી દેતા હતા. જેથી કરીને ચોર પણ તેને શોધી ન શકે. સમય સાથે ધીરે ધીરે આ સિક્કાઓનું ચલણ બંધ થયું. પરંતુ આજે પણ ઘણા જૂના પુરાણા ઘરના ખોદકામ કરતી વખતે પ્રાચીન વસ્તુઓ મળી આવતી હોય છે. આવી જ એક ઘટના બની નવસારીમાં.

6 મહિના પહેલા મળ્યા હતા સિક્કા:નવસારીના ચીખલી તાલુકાના સુરખાઇ ગામે રહેતા અને UKના લેસ્ટરમાં સ્થાયી થયેલા હવાબેન ઈમ્તિયાઝ બલિયાએ બીલીમોરા શહેરના બંદર રોડ સ્થિત બજાર સ્ટ્રીટમાં આવેલ તેમનુ 100 વર્ષ જૂનું પૈતૃક મકાન જર્જરિત થતાં તેને તોડી ત્યાં નવું મકાન બનાવવાની ગત વર્ષે તૈયારી આરંભી હતી. જેમાં 44 વર્ષીય કોન્ટ્રાક્ટર સરફરાઝ હાજી કોરડીયાને કોન્ટ્રાક્ટ આપીને તેઓ UK પરત ફર્યા હતા. આ દરમિયાન સરફરાઝે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોન્ડવા થાનાના બેજડા ગામના 28 વર્ષીય રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડીયા, તેની 26 વર્ષીય પત્ની, 47 વર્ષીય રમકુ બંશી બંગાલ ભયડીયા તેમજ એક સગીરને મજૂરીએ રાખી મકાન તોડવાની શરૂઆત કરી હતી.

199 સોનાના ઐતિહાસિક સિક્કાની કિંમત 92.25 લાખ

મકાન તોડતી વખતે મળ્યા સિક્કા:મકાન તોડતા પૂર્વે હવાબેન બલિયાએ કોન્ટ્રાક્ટર સરફરાઝને ઘરમાંથી કોઇપણ કિંમતી વસ્તુ મળે તો તેમને જાણ કરવાનું કહ્યુ હતું. બીજી તરફ મકાનનો ઉપરનો માળ તોડતાં તેના મોભમાંથી વર્ષ 1910થી 1922ના કીંગ જ્યોર્જ 4ની છાપ સાથેના સોનાના સિક્કા નીકળીને જમીન પર પડતાં જ શ્રમિકોની આંખ અંજાઈ ગઈ હતી. સાથે જ તેમણે સોનાના સિક્કાઓ વીણી લઇ કોઈને કહ્યા વિના જ સિક્કાઓ પોતાની પાસે રાખી મધ્યપ્રદેશ જતા રહ્યા હતા.

ક્યારે બહાર આવી ઘટના:મધ્યપ્રદેશમાં શ્રમિક રમકુ ભયડીયાના ઘરમાંથી સ્થાનિક પોલીસકર્મી આ સોનાના સિક્કા જોતા તેને મારીને લૂટીને લઇ ગયો હતો. આ સમગ્ર મુદ્દે મધ્ય પ્રદેશના સોન્ડવા પોલીસ મથકમાં જૂલાઈમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં એક PSI સહિત 4 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

નવસારીના ચોરાયેલા સિક્કા મધ્યપ્રદેશથી જપ્ત

મકાનના માલિકે નોંધાવી ફરિયાદ:મકાનના માલિક હવાબેન બલિયાને જાણ થતાં તેઓ ગત ઓક્ટોબર 2023માં નવસારી આવ્યા હતા. તેમણે આ મામલે સુરત રેંજ IGPને મળીને રજૂઆત કરી હતી. નવસારીના બીલીમોરા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર પ્રકરણમાં નવસારી LCB પોલીસની આગેવાનીમાં SOG પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

કોન્ટ્રાક્ટર સહિત ચાર શ્રમિકોની ધરપકડ:બે મહિનાની તપાસ દરમિયાન પોલીસે મધ્યપ્રદેશમાં 6 વાર તપાસ અર્થે જઈ સ્થાનિક બાતમીદારો ઉભા કરી શ્રમિકોની ગતિવિધિ ઉપર નજર રાખી હતી. બીજી તરફ વલસાડના કોન્ટ્રાકટર સરફરાઝ કોરડીયાની પણ પૂછપરછ આરંભી હતી. જેમાં સરફરાઝે શ્રમિકોને સોનાના સિક્કા મુદ્દે ધમકાવ્યા હોવાનું ધ્યાને આવતા પોલીસે સરફરાઝ અને ચારેય શ્રમિકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

4 શ્રમિકોની ધરપકડ

92.25 લાખ કિંમતના 199 સિક્કા:રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરતા રાજુ અને તેની પત્ની પાસેથી 175 સોનાના સિક્કા મળ્યા હતા, જયારે રમકુ પાસેથી 24 સિક્કા મળી આવતા નવસારી પોલીસે કુલ 199 સિક્કા કબ્જે લીધા હતા. આરોપીઓ પાસેથી મળેલા સિક્કાઓ 22 કેરેટના અને એક સિક્કાનું વજન અંદાજિત 8 ગ્રામ પ્રમાણે જોતા કુલ 1592 ગ્રામ સોનાના સિક્કા અને તેની હાલની કિંમત 92.25 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

સિક્કાઓની માલિકી હક કોનો ?ફરિયાદી હવા ઈમ્તિયાઝ બલિયાના ઘરમાંથી પ્રાચીન સિક્કા મળ્યા છે એટલે તેણે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં પોતાના સિક્કા મેળવવા માટે ફરિયાદ કરી છે. પરંતુ આ સિક્કાઓ પુરાતત્વ વિભાગની પણ માલિકીના હોઈ શકે છે એટલે નવસારી જિલ્લા પોલીસ પુરાતત્વ વિભાગને પત્ર લખી તેની માલિકી કોની તે અંગે તપાસ કરશે અને આખરી નિર્ણય કોર્ટ નક્કી કરશે કે સિક્કાઓ પુરાતત્વ વિભાગને આપવા કે મૂળ ફરિયાદી હવાબેન બલિયાને આપવા.

'બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક સમય પહેલા એક જૂના મકાનની અંદરથી સોનાના સિક્કા ગાયબ જવા બાબત એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ચાર મજૂરો MP ના હતા તેઓને ઘર તોડતી વખતે સિક્કા મળ્યા હતા તે સિક્કા અંદર ભાગ બટાઈ કરી તેવો MP નાસી ગયા હતા. જેમાં ઘરના ફરિયાદીએ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા નવસારી એલસીબીને કેસની તપાસ આપવામાં આવી હતી. પોલીસે સિક્કાઓ રિકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે.' - સુશિલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, નવસારી

કોની કોની ધરપકડ થઈ ? (1) રમકુ ભયડીયા (2) રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડીયા (3) રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડીયા જાતે ભીલાલા (4) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (5) સરફરાઝ હાજી કોરડીયા

  1. MP News: સોનાના સિક્કા મળ્યા મજૂરોને અને ચોરી ગઇ પોલીસ, જ્યોર્જ પંચમના સોનાના સિક્કાની રહસ્યમય કહાણી
  2. Navsari Crime News: જર્જરીત મકાનની તોડફોડ દરમિયાન મળેલા સોનાના સિક્કા પરત લેવા નોંધાઈ પોલીસ ફરિયાદ
Last Updated : Jan 1, 2024, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details