નવસારીઃ નવસારીમાં 56 દિવસ બાદ ST બસ ફરી દોડતી થઇ છે. જેથી ગ્રામીણ પ્રવાસીઓને થોડી રાહત મળશે. જોકે હાલ લોકડાઉનને લઇ 30 પ્રવાસીઓ સાથે એક ડેપોથી બીજા ડેપો સુધી બસ દોડાવવામાં આવશે. તેમજ બસ ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી, જે પ્રવાસીઓ માટે રાહત કહી શકાય. ઉલ્લેખનિય છે કે, નવસારીમાં 700થી વધુ ટ્રીપો ચાલતી હતી, ત્યાં અત્યારે કોરોના મહામારીને કારણે ફક્ત 88 ટ્રીપો પર જ બસો દોડશે.
નવસારીમાં 88 ટ્રીપ પર ST બસનો પ્રારંભ, ઓછા પ્રવાસીઓ છતાં ભાડામાં વધારો નહીં
નવસારીમાં 56 દિવસ બાદ ST બસ ફરી દોડતી થઇ છે. જેથી ગ્રામીણ પ્રવાસીઓને થોડી રાહત મળશે. જોકે હાલ લોકડાઉનને લઇ 30 પ્રવાસીઓ સાથે એક ડેપોથી બીજા ડેપો સુધી બસ દોડાવવામાં આવશે. તેમજ બસ ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી, જે પ્રવાસીઓ માટે રાહત કહી શકાય. ઉલ્લેખનિય છે કે, નવસારીમાં 700થી વધુ ટ્રીપો ચાલતી હતી, ત્યાં અત્યારે કોરોના મહામારીને કારણે ફક્ત 88 ટ્રીપો પર જ બસો દોડશે.
કોરોનાને કારણે લોકડાઉનમાં લોકો સંક્રમણનો ભોગ ન બને, એ હેતુથી પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની ST બસો પણ બંધ થઈ હતી. દરમિયાન લોકડાઉન-4માં રાજ્ય સરકારે ST બેસોને શરૂ કરતા જિલ્લામાં 56 દિવસોથી બંધ પડેલી ST બસોનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ. સાથે જ બસોને ડિસઇન્ફેકટ કરાયા બાદ બુધવારે સવારથી બસ પ્લેટફોર્મ પર મુકવામાં આવી હતી. ત્યારે જિલ્લામાં ST ડેપોના 80 શિડ્યુલમાં ચાલતી 700થી વધુ ટ્રીપોમાંથી ફક્ત 10 શિડ્યુલમાં 88 ટ્રીપો શરૂ કરવામાં આવી છે, જ્યાં રોજના 22 હજારથી વધુ પ્રવાસીઓ STનો ઉપયોગ કરતા હોય છે, ત્યાં બુધવારે પ્રવાસીઓ વિના ખાલી બસો પણ દોડાવવી પડી હતી. જેને કારણે રોજની અંદાજે 6 લાખ રૂપિયાની આવક ધરાવતા નવસારી ડેપોની આવક નહિવત રહી હતી. ઉલ્લેખનિય છે કે ST દ્વારા બસમાં ફક્ત 30 જ પ્રવાસીઓને બેસાડાશે, તેમ છતાં ભાડામાં કોઈ વાધારો કરાયો નથી. બુધવારે શરૂ થયેલી બસ સેવા પૂર્વે પ્રવાસીઓનું થર્મલ સ્ક્રિનીંગ કરવા સાથે જ હેન્ડ સેનેટાઇઝ કરાવવામાં આવ્યા હતા. તેમજ માસ્ક પહેરેલુ ન હોય તેમને ડેપોમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.