નવસારીઃ વાંસદાની કેલીયા પ્રાથમિક શાળા ભલભલી ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે. આ શાળામાં નિયમિત વર્ગો ઉપરાંત પણ એક્સ્ટ્રા કોચિંગ ક્લાસીસ લેવામાં આવે છે. આ શાળામાં સ્માર્ટ ક્લાસરુમ તેમજ વિદ્યાર્થીઓની પ્રતિભા ઉજાગર થાય તેવી વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. હાલ આ શાળાના વિશિષ્ટ શિક્ષણને લીધે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવી દિશા ચીંધી રહી છે. કેલીયા પ્રાથમિક શાળા વિશે વધુ જાણો ઈટીવી ભારતના ખાસ અહેવાલમાં.
કેલિયા પ્રાથમિક શાળાની વિશેષતાઓઃ મોંઘી સ્કૂલોના એર કન્ડિશનિંગ વાતાવરણમાં પોતાના બાળકને ભણાવવાથી સારા શિક્ષણની ગેરંટી વાલીઓને મળતી નથી. જો કે ફાઈવસટાર પ્રાઇવેટ સ્કૂલોની સામે સરકારી સ્કૂલો પણ સતત પોતાની પ્રતિભા અને કાર્યક્ષમતા સાબિત કરતી રહે છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળા. વાંસદા તાલુકામાં કુદરતના ખોળે વસેલું કેલીયા ગામ. આ ગામમાં આવેલી પ્રાથમિક શાળાની સ્થાપના 1954માં કરવામાં આવી હતી. અહીં બાલવાટિકા થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસરૂમમાં અભ્યાસ કરે છે. કેલીયા પ્રાથમિક શાળા નવસારી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ શાળા વેકેશન દરમિયાન પણ કાર્યરત હોય છે. બાળકો પણ હોંશે હોંશે શાળાએ ભણવા માટે આવે છે. અન્ય શાળા નો સમય જ્યારે 10 થી 5 વાગ્યાનો હોય છે ત્યારે આ શાળા સવારે 8:00 વાગ્યાથી જ શરૂ થઈ જાય છે. જે સાંજના 5 વાગ્યા સુધી કાર્યરત હોય છે. આ શાળામાં વિદ્યાર્થીઓની પ્રતિભા ઉજાગર થાય તેવી વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
એકસ્ટ્રા કોચિંગ કલાસનો ઉદ્દેશ્યઃ કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર માઠી અસર પડી હતી જેને પરિણામે વિદ્યાર્થીઓનો શિક્ષણનો પાયો કાચો રહી ગયો હતો. આ પાયો પાકો થાય અને બાળક ફરી મુખ્ય ધારામાં આવી જાય તેમજ ગામમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુથી આ શાળામાં એકસ્ટ્રા કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે. ગામના સરપંચ, વાલીઓ, એસએમસી સભ્યો, શિક્ષકો અને આચાર્યએ સાથે મળીને કરેલા નિર્ણયને પરિણામે આજે શાળામાં બાળકો ઉચ્ચ કોટીનું શિક્ષણ મેળવી રહ્યા છે. અહીં શિક્ષણ પ્રાઈવેટ સ્કૂલમાં મળતા શિક્ષણને પણ ઝાંખું પાડી દે છે. શાળાના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવી અભ્યાસકીય પ્રવૃત્તિને લીધે શાળાએ ખૂબ અનોખી ઓળખ ઊભી કરી છે.
195 વિદ્યાર્થીઓને લાભઃ શાળામાં બાળકો મુક્ત વાતાવરણમાં શિક્ષણ મેળવે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ અનોખી પ્રાથમિક શાળામાં શિક્ષણ પર્યાવરણ અને ટેકનોલોજી નો સમન્વય છે સાત પ્રાથમિક અને સાત એસએમસી શિક્ષકો ઓતપ્રોત બની શિક્ષણને રસપ્રદ બનાવે છે શાળામાં ભણતા 195 વિદ્યાર્થીઓની આંતરિક શક્તિને બહાર લાવી તેમને નિખારી શકાય તે અર્થે વિવિધ પ્રવૃત્તિઓ કરાવે છે.