ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં ભારત બંધ રહ્યું નિષ્ફળ, ખેડૂત આગેવાનોને પોલીસે કર્યા ડિટેઇન - સંયુક્ત કિસાન મોરચો

કૃષિ કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ખેડૂત સંગઠનોએ આજે 10 કલાક માટે ભારત બંધનું એલાન કર્યું હતું. નવસારીમાં હાઇવે નંબર-48 પર ચક્કાજામ કરવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ પોલીસે ખેડૂત આગેવાનોને ડિટેઇન કરી લીધા હતા. નવસારીમાં ખેડૂત સંગઠનોનું ભારત બંધ નિષ્ફળ રહ્યું હતું.

કિસાન મોરચાના આગેવાનોને પોલીસે કર્યા ડિટેઇન
કિસાન મોરચાના આગેવાનોને પોલીસે કર્યા ડિટેઇન

By

Published : Sep 27, 2021, 7:53 PM IST

  • જિલ્લા કોંગ્રેસ અને કોંગ્રેસના કિસાન મોરચાના આગેવાનોને ડિટેઇન કરાયા
  • નેશનલ હાઇવે નં. 48 પર ચક્કાજામના કાર્યક્રમને પોલીસે બનાવ્યો નિષ્ફળ
  • આંદોલન તોડી પાડવા સરકાર પોલીસનો ઉપયોગ કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

નવસારી: રાષ્ટ્રીય સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા આજે અપાયેલું ભારત બંધનું એલાન નવસારીમાં નિષ્ફળ રહ્યું હતુ. નવસારી જિલ્લાના બજારોમાં બંધની કોઈ અસર જણાઈ ન હતી, જ્યારે નેશનલ હાઇવે નં. 48 પર ચક્કાજામ કાર્યક્રમ પહેલા જ જિલ્લા કોંગ્રેસ તેમજ કિસાન મોરચાના આગેવાનોને પોલીસે ડિટેઈન કર્યા હતા. સાથે જ ખેડૂત સમાજના આગેવાન ખેડૂતોને પણ નજર કેદ અથવા ડિટેઇન કરવામાં આવતા ચક્કાજામનો કાર્યક્રમ પર પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

કૃષિ કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોર્ચાએ આપ્યું હતું ભારત બંધનું એલાન

ખેડૂત સમાજના આગેવાન ખેડૂતોને પણ નજર કેદ કરવામાં આવ્યા હતા

મોદી સરકાર દ્વારા કૃષિ કાયદામાં કરવામાં આવેલા ફેરફાર સામે ઉત્તર ભારતના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાને રદ્દ કરવામાં આવે, તેની સાથે જ મોંઘવારી, બેરોજગારી અને ભારતની રાષ્ટ્રીય સંપત્તિના ખાનગીકરણને અટકાવવાની માંગણી સાથે રાષ્ટ્રીય સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેને નવસારી જિલ્લા કોંગ્રેસ કિસાન મોરચા દ્વારા સમર્થન જાહેર કરીને નેશનલ હાઇવે નં. 48 પર ઉન ગામ નજીક ચક્કાજામ કરવાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો. જો કે આજે સવારે કોંગ્રેસીઓ હાઇવે પર પહોંચે એ પૂર્વે જ જિલ્લા પોલીસે અલગ-અલગ સ્થળોએથી કોંગ્રેસી આગેવાનો તેમજ કિસાન મોરચાના આગેવાનોને ડીટેઈન કરી પોલીસ મથકો પર સાંજ સુધી બેસાડી રાખ્યા હતા.

આંદોલન તોડી પાડવા સરકાર પોલીસનો ઉપયોગ કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

સરકાર પોલીસનો ઉપયોગ કરતી હોવાના કોંગ્રેસના આક્ષેપો

નવસારી ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીન પટેલ સહિત અન્ય ખેડૂત આગેવાનોને પણ ડિટેઇન અથવા તેમના ઘરે નજરકેદ કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસે DySP, PI અને PSI સહિત પોલીસ કાફલાને હાઈવે પર ઉનગામ પાસે ઉતારી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેથી હાઇવે પર ચક્કાજામની ઘટનાને ઊગતી જ ડામી દેવાય. પોલીસ હાઇવે પર ચક્કાજામનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવામાં સફળ રહી હતી. બીજી તરફ નવસારી શહેરમાં ભારત બંધને જરા પણ સમર્થન મળ્યું હોય તેવું જણાયું નહોતુ. શહેરની બજારો અને દુકાનો ખુલ્લી રહી હતી. જો કે કોંગ્રેસીઓને ડીટેઇન કરવા મુદ્દે કોંગ્રેસી આગેવાનોએ આંદોલનને તોડી પાડવા માટે સરકાર પોલીસનો ઉપયોગ કરતી હોવાના આક્ષેપો લગાવ્યા હતા.

10 કલાક રાષ્ટ્રવ્યાપી બંધ

કિસાન મોરચાના આગેવાનોને ડીટેઈન કરી પોલીસ મથકો પર સાંજ સુધી બેસાડી રાખ્યા હતા

ઉલ્લેખનીય છે કે સંયુક્ત કિસાન મોરચા (SKM)ના નેતૃત્વમાં ખેડૂતોએ 3 કૃષિ કાયદાઓના વિરોધમાં આજે 10 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. કોંગ્રેસ સહિત તમામ બિન-એનડીએ પક્ષોએ ખેડૂત સંગઠનોના ભારત બંધને ટેકો આપ્યો હતો. આરએસએસ સાથે જોડાયેલા ભારતીય મજદૂર સંઘ (બીએમએસ)ને છોડીને અન્ય તમામ વેપારી સંગઠનોએ હડતાળને ટેકો આપ્યો હતો.

આ પણ વાંચો: નવસારીના સરૈયાથી અઢી વર્ષનો દીપડો પાંજરે પુરાયો

આ પણ વાંચો: દેશના સીમાડાઓ સાચવનાર જમ્મુથી નવસારીના દાંડી સુધી સાયકલ યાત્રા કરનારી 150 જવાનોની ટીમ આવી પહોંચી અમદાવાદ

ABOUT THE AUTHOR

...view details