22 વર્ષથી રામુભાઈ આહીર પોતે જ બસમાં બેસીને ગામે ગામ જઈને ખાટલામાં પાટી ભરી ગુજરાન ચલાવે છે નવસારી: પીએમ મોદીના આત્મનિર્ભરતાના વિચારની પ્રતિમૂર્તિ જેવા પ્રજ્ઞાચક્ષુ રામુભાઈ આહીરની આ પ્રેરક વાત છે. નવસારીના ચીખલી તાલુકાના આમધરા ગામના એક 68 વર્ષીય વૃદ્ધે આત્મનિર્ભરતાના સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે અને લોકોને પ્રેરણા રૂપ બન્યા છે. આમધરા ગામે રહેતા અને આંખે દિવ્યાંગ એવા રામુભાઈ આહીર ખાટલાની પાટી ભરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
અમદાવાદના વસ્ત્રાપુરમાં શીખ્યાં હુન્નર : ચીખલી તાલુકાના આમધરા ગામે આહીર ફળિયામાં પોતાના ભત્રીજા સાથે રહેતા રામુભાઈ આહીર જેઓ આંખે જોઈ નથી શકતા, પરંતુ તેઓ ખાટલામાં પાટી ભરવાનું કામ કરી રહ્યા છે. આ કામ તેમણે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે શીખ્યા બાદ વલસાડ ખાતે ખાતે કંપનીમાં તેમણે કામ કર્યુ. જોકે પાછલા 22 વર્ષથી રામુભાઈ આહીર પોતે જ બસમાં બેસીને ગામે ગામ જઈને ખાટલામાં પાટી ભરવાનુ કામ કરતા આવ્યા છે.
કામમાં રસરામુભાઈ આહીર આ કામ ખૂબ જ ખંત અને લગનથી કરતા હોય છે. જોકે તેમના ભત્રીજા તેમને આ કામ કરવાની ના પાડે છે. પરંતુ તેમને આ કામમાં રસ હોવાથી તેઓ આ કામ કરે છે. તેમને ગામમાંથી કે અન્ય ગામમાંથી કોઈ ખાટલામાં પાટી ભરવા માટે લેવા માટે આવે છે તો તેઓ તેમની સાથે ખાટલામાં પાટી ભરવા માટે જાય છે.
આ પણ વાંચો અદભૂત ફેશન શોઃ પ્રજ્ઞાચક્ષુ છોકરીઓનું બંધ આંખોથી સપનાના રેમ્પ પર વોક
આંખ ગુમાવવાની કરમ કઠણાઇ :રામુભાઈ આહીર કબડ્ડી રમી રહ્યા હતાં એ સમયે તેમની એક આંખમાં વાગતા તેમણે આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેનું ઓપરેશન કરાવવા જતા બીજી આંખ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. આંખોથી લાચાર થયેલા રામુભાઈ હારના માની અને તેઓ બ્રેઇન લિપિનું ભણવા માટે અમદાવાદ ખાતે એડમિશન લીધું. ત્યાં તેઓએ પોતાની બ્રેઇન લિપિનો અભ્યાસ પૂર્ણ કર્યો. દિવ્યાંગો માટેના ખાસ પ્રકારના વર્કશોપમાં દિવ્યાંગો ખુરશીમાં દોરી ભરવાનું કામ શીખતા હતાં. પોતાના શિક્ષક દ્વારા તેઓને પણ આ કામ માટે માર્ગદર્શન આપવામાં આવતા તેઓએ ખુરશીમાં દોરી ભરવાનું કામ શીખવાની શરૂઆત કરી અને થોડા સમયમાં તેઓ આ કામમાં મહારત હાંસિલ કરી હતી.
દોરી ભરવાની કળા શીખી :થોડા સમયમાં ફરી પોતાના ગામ આવી ખુરશીમાં દોરી ભરવાનું કામ તેઓ કરવા લાગ્યા. જ્યાં તેમને સારો એવો રોજગાર મળવા લાગ્યો અને તેઓ મહેનતથી આ કામને ન્યાય આપતા ગયા. થોડા સમય બાદ ખુરશીની દોરી ભરવાના વેપારમાં મંદી આવતાં તેઓને ઓર્ડર મળવાના બંધ થતાં તેઓ નિરાશ થયા પણ હોંસલો બુલંદ હોય રામુભાઇ એક નવી દિશા અપનાવી. તેમણે લાકડાની ચારપાઇમાં દોરી ભરવાની કળા શીખી.
નવી દિશા અપનાવી : દોરી ભરવાની કળા શીખી લીધાં બાદ રામુભાઈ આહીરે પોતાના વ્યાપારને નવી દિશા સાથે વેગ આપ્યો અને આ લાકડાના ખાટલાઓ ભરવાની શરૂઆત કરી. આ કામમાં જે દોરી ગૂંથવાની હોય છે તે તેમના માટે અશક્ય હતું પણ તેઓ પોતાના હુન્નરથી અનોખી રીતે દોરી ગૂંથતા. તેઓની આ દોરી ગૂંથવાની કળા લોકોને પણ પસંદ આવી અને લોકોએ તેમને અને તેમની કળાને વધાવી લીધી હોય તેમ ગામેગામથી લોકો તેમને પોતાના ઘરે ખાટલાની દોરી ભરવાના ઓર્ડરો આપવાની શરૂઆત કરી. આજે ખાટલાની પાટી ભરીને તેઓ રોજના 500-1000 રૂપિયાની રોજગારી મેળવે છે.
આ પણ વાંચો ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે કચ્છમાં પ્રિન્ટ થઈ રહ્યા છે બ્રેઈલ લિપિમાં પાઠ્યપુસ્તકો
લોકોને પ્રેરણારૂપ પણ બન્યા: આ કામ રામુભાઈ આહીર 1990થી કરતા આવ્યા છે અને આજે પણ કરે છે. તો તેમના પરિવારમાં કોઈ ન હોવાથી તેઓ તેમના ભત્રીજા સાથે રહે છે. તેઓ પોતાના ગામ તેમજ આજુબાજુના ગામોમાં ખાટલામાં પાટી ભરવા માટે જાય છે. પરંતુ તેઓ આંખે જોઈ ન શકતા તેમને તેમનો ભત્રીજો મુકવા જાય છે અથવા જેમના ઘરે ખાટલામાં પાટી ભરવાની હોય છે તેઓ લેવા અને મુકવા આવે છે. રામુભાઈ આહીરને જે પણ ડીઝાઈન કહીએ એ ડીઝાઈનમાં તેઓ ખાટલામાં પાટી ભરી આપતા હોવાથી તેમને લોકો પાટી ભરવા માટે બોલાવતા હોય છે. પાટી ભરવાનુ કામ રામુભાઈ ખૂબજ સારી રીતે કરતા હોય છે. રામુભાઈ આહીર પોતે તો મહેનત કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે સાથે જ લોકોને પ્રેરણારૂપ પણ બન્યા છે. સાથેજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પણ તેઓ સાર્થક કરી રહ્યા છે.