નવસારી: દુકાનોના બાકી નીકળતા ચાલુ વર્ષના અને પાછલા વર્ષના બાકી ભાડા બાબતે ચીખલી પંચાયતના સરપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકા સહિત ગ્રામ પંચાયતો અંતિમ નાણાકીય વર્ષમાં પોતાના બાકી નીકળતા વેરા અને લેણા બાબતે કડકાઈ કરી સખ્ત કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. બીજી તરફ ગ્રામ પંચાયતો પણ સફાળી જાગી છે અને લેણદારો પર કડક કાર્યવાહી કરી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા બાકી નીકળતા વેરા બાબતે લેણદારોને નોટિસો મોકલવામાં આવી હતી. લેણદારો દ્વારા કોઈ પણ જાતનો પ્રતિસાદ ન આપવામાં આવતા દુકાનદારો સામે કડક વસુલાત સાથે તેમની દુકાનો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
13 દુકાનો સીલ:નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આવેલા ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ગામની મધ્યમાં મુખ્ય બજારમાં પંચાયત દ્વારા શોપિંગ સેન્ટર અલગ અલગ વિસ્તારમાં બાંધવામાં આવ્યા છે. આ શોપિંગ સેન્ટરની દુકાનો પંચાયત દ્વારા ભાડા પેટે આપવામાં આવી છે. જેમાં 17 દુકાનોના પાછલા વર્ષના અને ચાલુ વર્ષના ભાડા બાકી હતા. તેથી પંચાયત દ્વારા આ બાકી નીકળતા નાણાને લઈને દુકાનદારોને નોટિસો પણ મોકલવામાં આવી હતી. પરંતુ લેણદારોએ આ નોટીસનો પંચાયતને કોઈપણ જાતનો પ્રતિ ઉત્તર આપ્યો ન હતો. જેથી પંચાયત દ્વારા આજે આકરો મિજાજ દાખવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પંચાયત હસ્તકની 17 દુકાનોમાંથી 13 દુકાનો સીલ મારવામાં આવી હતી.
આ પણ વાંચો:Navsari News: ચીખલી તાલુકાના રાનકુવા ગામે શાળા નિર્માણમાં ગેરરીતિનો આક્ષેપ