- રોટરી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ માટે ૧.૩૫ કરોડની ગ્લોબલ ગ્રાન્ટને અપાઇ મંજૂરી
- મહિલાઓ અને પુરૂષોમાં થતા અલગ-અલગ કેન્સરની પ્રાથમિક તપાસમાં મળશે મદદ
- દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં સમયસર કેન્સર નિદાન મળવાની આશા
નવસારી : મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરૂષોમાં મોઢાના કેન્સરને પ્રાથમિક સ્તરે જ શોધી કાઢવામાં આવે તો ઘણી જિંદગીઓ બચાવી શકાય છે.જેના માટે સમયસર નિદાન જરૂરી છે. પરંતુ ઘણા કિસ્સામાં પ્રથમ કે બીજા સ્તરે કેન્સર પહોંચ્યા બાદ ખબર પડે છે અને ઘણીવાર મોડુ પણ થઇ જતુ હોય છે. જેથી શરૂઆતના તબક્કે જ કેન્સરનું નિદાન થાય અને રાહતદરે સારવાર મળી રહે એવા ઉમદા આશય સાથે ગણદેવી રોટરી ક્લબ અને ચીખલી રોટરી રીવરફ્રન્ટ દ્વારા સેવાયેલુ સ્વપ્ન રોટરી ફાઉન્ડેશનની ૧.૩૫ કરોડ રૂપિયાની ગ્લોબલ ગ્રાન્ટ મંજૂર થતા પૂર્ણ થવા જઇ રહ્યુ છે. ઘર આંગણે કેન્સર નિદાન માટે રોટરી દ્વારા મોબાઇલ કેન્સર ડીટેકશન વાન શરૂ કરાશે
અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઇલ કેન્સર ડીટેકશન વાન બનશે આશીર્વાદ રૂપ
કેન્સર, ગંભીર બીમારીઓમાંની એક આજના આધુનિક જમાનામાં પ્રદુષણ વધ્યુ છે.ખોરાકમાં પણ રાસાયણિક ખાતરો યુક્ત હોવાથી શરીરમાં કાર્સીયોજેનીક તત્વોનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. જેને કારણે કેન્સર થવાની સંભાવના વધી જતી હોય છે. ખાસ કરીને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરની ફરિયાદો વધી છે. જયારે ગુટખા ખાતા કે બીડી-સિગારેટ પીતા પુરૂષોમાં મોઢાના કેન્સર વધુ જોવા મળે છે. જેથી કેન્સરની બીમારીમાં જેટલુ વહેલું નિદાન થાય, એટલી માનવીની બચવાની શક્યતા વધી જતી હોય છે.
રોટરી ફાઉન્ડેશન દ્વારા ૧.૩૫ કરોડ રૂપિયાની ગ્લોબલ ગ્રાન્ટ મજૂર
ગણદેવી રોટરી ક્લબ અને ચીખલી રોટરી રીવરફ્રન્ટ દ્વારા શહેર કરતા ગામડાઓમાં અને એમાં પણ આદિવાસી વિસ્તારોના લોકોમાં કેન્સરનું નિદાન થઇ શકે અને તેના દ્વારા બ્રેસ્ટ કેન્સર કે મોઢાના કેન્સરને શરૂઆતી સમયમાં જ ઉપચાર કરાવી શકાય એવા ઉમદા હેતુથી મોબાઇલ કેન્સર ડીટેકશન વાન બનાવવાનું સપનું સેવ્યુ હતુ. જે ગુજરાત, ભારત અને અમેરિકાની વિભિન્ન રોટરી કલબો, દાતાઓના સહયોગથી પૂર્ણ થવા જઇ રહ્યુ છે. રોટરી ફાઉન્ડેશન દ્વારા ૧.૩૫ કરોડ રૂપિયાની ગ્લોબલ ગ્રાન્ટ મજૂર કરતા આગામી બેથી ત્રણ મહિનાઓમાં મોબાઇલ કેન્સર ડીટેકશન વાન નવસારીમાં કાર્યરત થશે.
મહિલાઓ અને પુરૂષો મળી કુલ ૬ કેન્સરની પ્રાથમિક તપાસ થશે
મોબાઇલ કેન્સર ડીટેકશન વાનમાં મહિલાઓમાં થતા બ્રેસ્ટ (સ્તન) કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી મશીન, ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે પેપ સ્પીયર ટેસ્ટ, ઓવેરિયન કેન્સર માટેના નિદાન માટેની વ્યવસ્થા હશે. જયારે પુરૂષોમાં નાક, કાન અને ગળા તેમજ પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન, ફેફસાના કેન્સરનું પ્રાથમિક નિદાન થઇ શકશે. જેને માટે જરૂરી મશીનરી તેમજ દવાઓ પણ વાનમાં ઉપલબ્ધ કરાવશે, જયારે તપાસણી નજીવા દરે અથવા દાતાઓના સહયોગથી નિશુલ્ક કરવાનો પણ પ્રયાસ કરાશે.
આટલા વિસ્તારોમાં મળશે કેન્સર નિદાનની સુવિધા
ગણદેવી રોટરી કલબ અને ચીખલી રોટરી રીવરફ્રન્ટનું મોબાઇલ કેન્સર ડીટેકશન વાનનું સપનું સાકાર થતા નવસારી સહિત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સહિત દક્ષિણ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાં મોબાઇલ કેન્સર ડીટેકશન વાન પહોંચશે અને તેના દ્વારા પ્રાથમિક સ્તરે કેન્સરનું નિદાન થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને આ સુવિધાઓનો લાભ મળતા કેન્સરને પ્રારંભિક સ્તરે જ હરાવી શકાશે. ઉલ્લેખનિય છે કે મોબાઇલ કેન્સર ડીટેકશન વાન આવ્યા બાદ, ચીખલીની અલીપોર હોસ્પિટલ ખાતે રખાશે અને એનું સંચાલન આલીપોર હોસ્પિટલ, ગણદેવી રોટરી ક્લબ અને ચીખલી રોટરી રીવરફ્રન્ટ દ્વારા કરાશે.
દક્ષિણ ગુજરાતની કેન્સર હોસ્પિટલો સાથે ઉપચાર અંગે કરાયુ ટાયઅપ
મોબાઇલ કેન્સર ડીટેકશન વાન શરૂ કરવા સાથે જ પ્રાથમિક ઉપચાર બાદ તેના નિદાન માટે દક્ષિણ ગુજરાતની કેન્સર હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે. જેમાં સુરતની ભારત કેન્સર હોસ્પિટલ સહિતની ત્રણથી ચાર હોસ્પિટલો સાથે પ્રાથમિક નિદાન બાદ અગાઉની સારવાર માટે કરાર કરવામાં આવ્યા છે, જ્યાં રાહત દરે અથવા દાતાના સહયોગથી વિનામૂલ્યે પણ સારવાર મળી રહે એવા પ્રયાસો હાથ ધરાયા છે. સાથે જ નવસારીમાં બની રહેલી નિરાલી કેન્સર હોસ્પિટલ તેમજ સુરતમાં આવી રહેલી અપોલો હોસ્પિટલ સાથે પણ ટાઇઅપ કરવા વાટાઘાટો ચાલી રહી હોવાની માહિતી મળી હતી.