ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના જંગ: વાંસદાના સરહદીય ગામોના રસ્તા સીલ, સુરત જતા લોકોને કારણે ગ્રામીણોમાં ચિંતા - નવસારી

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. જોકે હજી રાજ્યના ગામડાઓમાં અને અમુક જિલ્લાઓમાં કોરોના પહોંચ્યો નથી, પરંતુ છતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેથી નવસારીના વાસંદા ગામમાં રસ્તાઓ સીલ કરવામાં આવ્યાં છે.

Etv Bharat
Navsari

By

Published : Apr 20, 2020, 12:00 AM IST

નવસારી: સુરત જિલ્લામાં સતત કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હવે સુરતના ગ્રામ્ય વિસ્તારોના લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નવસારીના ગામડાઓની ચિંતામાં વધારો થયો છે. જેથી વાંસદા તાલુકાના ગામોના આંતરિક રસ્તાઓને ઝાડી-ઝાંખરા મૂકીને બંધ કરાઈ રહ્યા છે. આ સાથે જ ગામમાંથી આવશ્યક સેવાઓ માટે સુરત જતા લોકોને સુરત ન જવા અથવા ત્યાં જ રોકાવાની અપીલ પણ કરવામાં આવી છે.

વાંસદાના સરહદી ગામોના રસ્તાઓ સીલ
ગુજરાતમાં કોરોના બુલેટ ગતિએ વધી રહ્યો છે, પરંતુ નવસારી એનાથી છેટૂ રહ્યું છે. જો કે, નવસારીના પડોશમાં આવેલા સુરત શહેર બાદ હવે જિલ્લામાં પણ કોરોનાએ હાથ લંબાવ્યા છે. જેમાં સુરતના અનાવલ ગામના એસએમસીના સફાઈ કામદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નવસારીના વાંસદના સરહદના ઉનાઈ, સિંગાડ, મોટી વાલઝર, નાની વાલઝર, ઉપસળ, હનુબારીબારી વગેરે ગામોના ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. વાંસદાના સિંગાડ અને નાની વાલઝર મળી કુલ બે યુવાનો અનાવલના કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાથી તેમના સેમ્પલ લઇ તેમને વાંસદાની કોવિડ-19 હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.
નવસારી

આ ઘટનાને પગલે મોટી વાલઝર ગ્રામ પંચાયતે રાતોરાત બે ઠરાવો કર્યા છે, જેમાં નાની વાલઝરના યુવાનનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગામની તમામ દુકાનો બંધ રાખવા અને આદેશનું પાલન ન કરે તો 5 હજાર રૂપિયાના દંડની ચેતવણી પણ આપી છે. મોટી વાલઝર ગામના 33 લોકો અને ઉપસળ ગામના 40 લોકો જે સુરત આવન-જાવન કરે છે, તેઓ સુરત ન જાય અથવા સુરત જ રહે એવી અપીલ પણ કરી છે. આ સાથે જ ગામમાં કોવીડ-19 જંગ માટે ગામમિત્ર બનાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે મોટી વાલઝર સહિત સરહદના ગામોના આંતરિક રસ્તાઓ પર ઝાડી-ઝાંખરાની આડાશ મુકી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી લોકોની અવર-જવર ઓછો કરી શકાય.


સુરતમાં આવન-જાવન કરતા લોકોને કોરોના પોઝિટિવ આવવાની શરૂઆત થતા કોરોનાની ચુંગાલમાંથી બચેલા નવસારી જિલ્લામાં લોકોની ચિંતા વધી છે. નવસારીના વાંસદા તાલુકાના ગામો બાદ ગણદેવી તાલુકાના આંતલિયા ગામની નર્સ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હોવાથી નવસારી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટ કરાઈ છે. જ્યારે નવસારીના એક પેટ્રોલ પંપ પર કામ કરતા 7 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ દર્દીના પરિવારના સદસ્યના સંપર્કમાં આવ્યા હોવાનું સામે આવતા સાતેયને હોમ ક્વોરનટાઈન કરાયા છે. ત્યારે તંત્ર સુરત જતા હજારો લોકોના આવન-જાવન પર રોક લગાવે એવી માંગ ઉગ્ર બની છે.

ABOUT THE AUTHOR

...view details