નવસારીઃ જિલ્લાનો આદિવાસી બાહુલ્ય વાંસદા તાલુકો સુરતના મહુવા તાલુકાનો પડોશી તાલુકો છે. મહુવાના ગામોમાં કોરનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યાઓ વધતા વાંસદાના ગામડાઓના લોકો સહીત સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યુ છે.
જેમાં વાંસદાનાં ગામોમાંથી મહુવા તરફ જતા રસ્તાઓ બંધ કરાયા છે ત્યારે વર્ષોથી હજારો લીટર દૂધ મહુવાના આંગલધરા ગામની દૂધ મંડળીમાં ભરતા વાંસદાના 40થી વધુ ટેમ્પોને પોલીસે અટકાવ્યા હતા. દૂધ ભરેલા ટેમ્પોને અટકાવતા લોકોના હોબાળા બાદ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે ઘટના સ્થળે પહોંચી પોલીસને સમજાવ્યા બાદ દૂધ ભરેલા ટેમ્પો આંગલધરા દૂધ મંડળીમાં પહોંચાડાયા હતા.
કોરોનાના કહેરમાં મહુવા તાલુકાના ગામડાઓમાં પણ કોરોનાના પોઝિટિવ કેસો વધતા વાંસદાના ગામડાઓમાં ચિંતા વધી છે, સાથે જ વાંસદાથી સુરતના ગામડાઓમાં જતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદાથી સુરત આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા લોકોને પણ ન જવા અથવા સુરતમાં જ રહેવાની વ્યવસ્થા કરવાની ગ્રામ પંચાયતો અપીલ કરી રહી છે, ત્યારે સોમવારે આંગલધરા દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા 40 થી વધુ દૂધ ભરેલા ટેમ્પોને વાંસદા પોલીસે અટકાવ્યા હતા. જેને લઈને પશુપાલકોએ હોબાળો મચાવ્યો હતો.
ઘટના સંદર્ભે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં સ્થિતિ જાણ્યા બાદ તેમણે પોલીસને આંગલધરામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો ન હોવાની વાત કરી હતી. વાંસદામાંથી પણ મહારાષ્ટ્રથી આવતા શાકભાજીના ટેમ્પો વગર રોકટોક પસાર થઇ રહ્યા છે, ત્યારે વાંસદાના દૂધનાં ટેમ્પો જે પણ આવશ્યક સેવામાં આવે છે.
તેમને જતા રોકવા યોગ્ય નથી. જો પશુપાલકોનું દૂધ રોકવામાં આવશે, તો શાકભાજીના ટેમ્પો પણ વાંસદામાંથી પસાર નહિ થાયની ચેતવણી પણ તેમણે આપી હતી. જેને ધ્યાને લીધા બાદ પોલીસે દૂધ ભરેલા ટેમ્પોને આંગલધરા મંડળીમાં જવા દીધા હતા.
નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના વાંસદા તાલુકામાં ખેતીવાડી સહીત લોકો પશુપાલન થકી પણ પોતાનું ગુજરાન ચલાવે છે. વાંસદાના ઉનાઇ, સીણધઈ, ચઢાવ, ખંભાલીયા, ફડવેલ, કાંટસવેલ, વાંદરવેલા, કંડોલપાડા, લાખાવાડી, ચાંપલધરા વગેરે 40 થી 45 ગામોના પશુપાલકો વર્ષોથી સુરતના મહુવા તાલુકાના આંગલધરા, કાંગવાઈ, અનાવલ વગેરે ગામોની દૂધ મંડળીઓમાં સુમુલ ડેરી માટે દૂધ ભરે છે.
જેનું કારણ નવસારીની વસુધારા ડેરી કરતા સુમુલ ડેરીનો ભાવ અંદાજે 4 રૂપિયા વધુ હોવાનું છે. જેથી રોજના સવાર-સાંજ મળીને વાંસદાના ગામડાઓના પશુપાલકો છોટા હાથી ટેમ્પાઓમાં દૂધની બરણીઓ મૂકી ભરવા જાય છે. મહુવાની આંગલધરા ગામની દૂધ મંડળી સૌથી મોટી છે. જેમાં 300થી વધુ સભાસદો છે. જયારે વાંસદાના ગામોમાંથી પણ અંદાજે 35 થી 40 હજાર લીટર રોજ આંગલધરા મંડળીમાં ભરે છે.