- ઉનાઇ બાદ રાનકુવામાં ધરણાં, વલસાડ ઝોનના એરિયા મેનેજરને અપાયું આવેદનપત્ર
- કોંગી ધારાસભ્યના ધરણાંને લઇ તંત્ર એલર્ટ
- નેરોગેજ શરૂ નહીં થાય તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી
નવસારી: બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ખોટ કરતી હોવાના કારણ સાથે પશ્ચિમ રેલવેએ બંધ કરતા આદિવાસીઓએ ટ્રેન શરૂ કરવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું છે. જેમાં રેલ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે પણ સમર્થન આપ્યું છે અને ઉનાઇ રેલવે સ્ટેશને ધરણાં કર્યા બાદ આજે ગુરૂવારે રાનકુવા રેલવે સ્ટેશને ધરણાં કરી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ વલસાડ ઝોનના એરિયા મેનેજરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે નેરોગેજ ટ્રેન શરૂ કરવાની માંગણી કરી હતી. આ માગ નહીં સંતોષાવા પર આંદોલનકારીઓએ આવનારા દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
સાગી લાકડા માટે શરૂ કરાયેલી નેરોગેજ ટ્રેન બંધ થતાં આદિવાસીઓએ છેડ્યુ આંદોલન
અંગ્રેજી સલ્તનતમાં સાગી લાકડા લાવવા માટે વિશેષ રૂપે નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઇ સુધી નેરોગેજ રેલવે લાઇન નાંખવામાં આવી હતી. આ સાથે જ આદિવાસીઓને શહેર સાથે જોડવા માટે પણ નેરોગેજ ટ્રેન ખુબ ઉપયોગી બની હતી. આ સમય વિતતા લાકડાને બદલે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનમાં આદિવાસીઓ પોતાની ખેત પેદાશો વહન કરતા થયા હતા. આ સાથે જ ધંધા-રોજગાર કે નોકરીએ જવા માટે પણ ટ્રેનનો ઉપયોગ વધ્યો હતો, જયારે 110 વર્ષથી વધુ સમયનો ઇતિહાસ ધરાવતી નેરોગેજ ટ્રેન પ્રવાસીઓને પણ આકર્ષિત કરી રહી હતી, પરંતુ વર્ષોથી નેરોગેજ ટ્રેન પાછળ થતા ખર્ચ કરતા આવક ઓછી હોવાથી પશ્ચિમ રેલવે, ખોટ ખાઇને ટ્રેન ચલાવી રહી હતી. કોરોના કાળ હળવો થતા રેલવેએ ટ્રેન શરૂ કરવાને બદલે, ખોટનું કારણ આગળ ધરી બંધ કરી દીધી છે. જેથી આદિવાસીઓએ નેરોગેજ ટ્રેનને ફરી શરૂ કરવાની માંગણી સાથે હવે આંદોલન છેડ્યું છે.
ઉનાઇ બાદ રાનકુવામાં કર્યા ધરણાં, રેલવેના એરિયા મેનેજરને આપ્યું આવેદન
ઉનાઇ રેલવે સ્ટેશને ધરણાં બાદ આજે ગુરૂવારે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલ સંઘર્ષ સમિતિએ પ્લેકાર્ડ સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતુ. ધારાસભ્યના ધરણાં આંદોલનને લઇને આજે ગુરૂવારે પશ્ચિમ રેલ્વેના વલસાડ ઝોનના એરિયા મેનેજર અનુ ત્યાગી રાનકુવા પહોંચ્યા હતા. જેમને નેરોગેજ ટ્રેન ફરી શરૂ કરવાની માગ સાથે રેલ સંઘર્ષ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જો ટ્રેન શરૂ નહીં થાય તો રેલ સંઘર્ષ સમિતિએ સાંસદના ઘેરાવ સાથે આંદોલનને ઉગ્ર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.