ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં વરસાદી કાંસના અવરોધનું વહેણ બદલવામાં આવતા લોકોમાં રોષ - gujaratinwews

નવસારી: નગરપાલિકા દ્વારા વર્ષોથી હરાજી વગર ખંડર બનેલા પોતાના શોપીંગ સેંટરની પાછળથી પસાર થતી વરસાદી કાંસનું વહેણ બદલવાનો પ્રયાસ શરૂ કરાતા આસપાસના રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાએ સ્લેબ ડ્રેન બનાવવા ખોદકામ શરૂ કરતા પાણીની પાઇપ લાઇન ફાટતા સ્થાનિકો ટેંકરોથી પાણી મેળવવા મજબુર બન્યા હતા. જ્યારે આજે એટલે કે શનિવારના રોજ સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી કામગીરીને તાત્કાલિક અસરથી અટકાવાની માંગણી કરી હતી.

વીડિયો

By

Published : May 11, 2019, 6:29 PM IST

મળતી માહિતી અનુસાર, નવસારીના બાજપાઈ ગાર્ડન નજીક નવસારી નગર પાલિકા દ્વારા અંદાજે 6 વર્ષ અગાઉ શોપિંગ સેન્ટર બનાવ્યું હતું પરંતુ કોઈક ટેકનિકલ ખામીને કારણે આજ દિવસ સુધી પાલિકાને શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી કરવાની મંજૂરી નથી મળી. બીજી તરફ પાલિકાએ શોપિંગ સેન્ટર વરસાદી કાંસ ઉપર બનાવ્યું હોવાની ફરિયાદો થતી રહી છે. જો કે, હાલમાં ખંડર બની રહેલા આ શોપિંગ સેન્ટરની પાછળથી વહેતી વરસાદી કાંસનું પુરાણ કરી વહેણ બદલીને પાલિકા સ્લેબ ડ્રેન બનાવા જઇ રહી છે.

જેનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જો કે, સત્તાના મદમાં પાલિકાના શાસકો અને અધિકારીઓએ વરસાદી કાંસને પુરીને સ્લેબ ડ્રેન બનવાનું કામ શરૂ કરતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્થાનિકોએ નવસારી પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી વરસાદી કાંસના વહેણ બદલવાની કામગીરી અટકાવવાની માંગણી કરવામાં આવી હતી.

નવસારીમાં વરસાદી કાંસ અવરોધનું વહેણ બદલતા લોકોમાં રોષ

નવસારી નગર પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કુદરતી કાંસનું વહેણ બદલી સ્લેબ ડ્રેન બનાવવા ખોદાણ શરૂ કરતાં પાણીનો પાઇપ ફાટી ગયો હતો. જેના કારણે નજીકના દશેરા ટેકરી વિસ્તારના રામજી ખત્રિની નાળ, રેલ રાહત કોલોની, બાલપીર દરગાહ સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થતાં લોકો બે દિવસોથી ટેન્કરોથી પાણી મેળવવા મજબૂર બન્યા છે. સાથે જ વરસાદી કાંસનું પુરાણ થતાં ચોમાસામાં પુરની સ્થિતિ સર્જાવાની સંભાવનાને લઈને ચિંતિત પણ બન્યા છે.

જ્યારે સ્થાનીય કોંગ્રેસના નગર સેવકોએ પણ સ્થાનિકો સાથે પાલિકા પ્રમુખને રજૂઆત કરી અલગથી આવેદન આપ્યું હતું. કોંગી નગર સેવકોએ આક્ષેપો કર્યા હતા કે, આ વિસ્તારમાં નવસારી પાલિકાએ જ ગેરકાયદેસર રીતે વરસાદી કાંસ ઉપર શોપિંગ સેન્ટર બનાવી અન્ય બિલ્ડરોને પણ પ્રોત્સાહન આપ્યું છે. જેના કારણે કુદરતી વરસાદી કાંસ પુરાઈ જતાં શ્રમિક વિસ્તારો સહિત શહેરના પોશ વિસ્તાર બની રહેલા વિસ્તારમાં પણ ચોમાસામાં પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવશે.

વરસાદી કાંસ પુરીને સ્લેબ ડ્રેન બનાવી કાંસનું વહેણ બદલવાની રજૂઆત બાદ પાલિકા પ્રમુખે તપાસ કરાવ્યા બાદ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી સાથે જ શોપિંગ સેન્ટર ગેરકાયદેસર હોવાની વાતને ખોટી ગણાવી વધુ કાઇ બોલવાથી બચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિજલપોર પાલિકામાં ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો બાદ નવસારીમાં પણ નગર પાલિકાએ જ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાની ફરિયાદ સામે આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.


સ્ટોરી બેન્ડ


1:નવસારી નગર પાલિકા દ્વારા વર્ષોથી હરાજી વગર ખંડર બનેલા પોતાના શોપીંગ સેંટરની પાછળથી પસાર થતી વરસાદી કાંસનુ વહેણ બદલવાનો પ્રયાસ


2:પાલિકાએ સ્લેબ ડ્રેન બનાવવા ખોદકામ શરૂ કરતા પાણીની પાઇપ લાઇન ફાટતા સ્થાનિકો ટેંકરોથી પાણી મેળવવા મજબુર બન્યા


3:નવસારીના બાજપાઈ ગાર્ડન નજીક નવસારી નગર પાલિકા દ્વારા અંદાજે 6 વર્ષ અગાઉ શોપિંગ સેન્ટર બનાવ્યું હતું.


4:નવસારી પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી વરસાદી કાંસના વહેણ બદલવાની કામગીરી અટકાવવાની માંગણી કરવામાં આવી


5:વરસાદી કાંસનું પુરાણ થતાં ચોમાસામાં પુરની સ્થિતિ સર્જાવાની સંભાવનાને લઈને ચિંતિત પણ બન્યા

ABOUT THE AUTHOR

...view details