- નવસારી-વિજલપોર શહેરનું ગટરનું દૂષિત પાણી શુદ્ધિકરણ વગર છોડાય છે પૂર્ણા નદીમાં
- વર્ષોથી એકધારૂ શાસન હાવ છતા દૂષિત પાણીના શુદ્ધિકરણ માટે પાલિકાનું દુર્લક્ષ
- પૂર્ણા નદીના કિનારે 75 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજના કાગળ પર
નવસારી: સંસ્કારી નગરી તરીકે જાણીતા નવસારી શહેરની ગટરો અને કંપનીઓમાંથી છોડાતું કેમિકલયુક્ત દૂષિત પાણી ખાડી મારફતે પૂર્ણા નદીમાં શુદ્ધિકરણ કર્યા વિના જ છોડાઈ રહ્યુ છે. જેને કારણે લોકમાતા પૂર્ણા નદી વર્ષોથી પ્રદૂષિત થઈ રહી છે. દૂષિત પાણીને નદીમાં જતું અટકાવવામાં નિષ્ફળ રહેલી પાલિકા 75 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની ગુલબાંગો મારી રહી છે. આમ છતા પણ 2 વર્ષથી એ કાગળ પર જ રહી છે.
કંપનીઓમાંથી છોડાતુ કેમિકલયુક્ત દૂષિત પાણી કરી રહ્યું છે પૂર્ણાને પ્રદૂષિત
ગાયકવાડી રાજ નવસારી પૂર્ણા નદીના કાંઠે વસેલું છે. વર્ષોથી શહેરનો વિસ્તાર વધતો જ રહ્યો છે. પરંતુ, નવસારી નગરપાલિકાના શાસકોએ શહેરના ગટરીયા દૂષિત પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા ઊભી કરી નથી. જેના કારણે ગટરનું દૂષિત પાણી સીધુ પૂર્ણા નદીમાં ઠલવાઇ રહ્યું છે. બીજી તરફ શહેરમાં આવેલી કેમિકલ કંપનીઓ તેમજ અન્ય કંપનીઓમાંથી કેમિકલયુક્ત દૂષિત પાણી પણ શહેરમાંથી પસાર થતી ખાડીમાં છોડવામાં આવે છે. જે પણ સીધુ પૂર્ણા નદીમાં ભળી રહ્યુ છે. જેને કારણે નવસારીની જીવાદોરી સમાન પૂર્ણા નદી વર્ષોથી પ્રદૂષિત થઈ રહી છે.
આ પણ વાંચો:World Environment Day 2021 - આજે સમગ્ર વિશ્વ ઉજવશે પર્યાવરણ દિવસ
ભાજપી શાસકો નદીને પ્રદૂષિત થતી અટકાવી નથી શક્યા
નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં ન આવે એ માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની યોજના પાલિકા વર્ષોથી બજેટમાં લેતી આવી છે. પરંતુ, આજદિન સુધી પ્લાન્ટ સાકાર થઇ શક્યો નથી. જેથી પાલિકાના શાસકોની કામગીરી સામે વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે. 20થી 25 વર્ષનું એકધારૂ શાસન હોવા છતા, ભાજપી શાસકો નદીને પ્રદૂષિત થતી અટકાવી શક્યા નથી. જેથી વિશ્વ પર્યાવરણ દિન એમના માટે અપર્યાવરણ દિન છે. દૂષિત પાણી નદીમાં ભળવાને ને કારણે ભૂગર્ભ જળ પણ દુષીત થાય છે અને આ પાણી પીવાથી લોકો બીમાર પડી શકે છે. જેથી, પાલિકાના શાસકો દૂષિત પાણીને શુદ્ધ કરીને નદીમાં છોડે એવી અપેક્ષા દર્શાવી હતી.